નિકાવા પાસે પગપાળા જતા દંપતિને કારે અડફેટે લેતા પત્નિનું મોત

પિતા-પુત્રને ગંભીર ઈજા પહોંચી: મોટર સાયકલમાં પંચર પડતા ચાલીને જતાં હતા ત્યારે બનેલી દુર્ઘટના

કાલાવડ ના રણુજાના મેળામાંથી પરત ફરી રહેલા એક પરિવારને નિકાવા નજીક અકસ્માત નડ્યો હતો. એક કારના ચાલકે દંપત્તિ અને તેના 13 વર્ષના પુત્રને ઠોકરે ચડાવતાં પત્નીનું ગંભીર ઇજા થવાથી પતિ અને પુત્રની નજર સમક્ષ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પતિ અને પુત્ર ઇજાગ્રસ્ત બન્યા છે.
જામનગર જિલ્લાના નીકાવામાં રહેતા શામજીભાઈ ઓઘડભાઈ બાંભવા ગઈકાલે રાત્રે 12.45 વાગ્યા ના સુમારે કાલાવડ નજીક રણુજામાં ભરાયેલા મેળામાં પોતાની પત્ની ભાનુબેન તથા 13 વર્ષના પુત્ર દક્ષને લઈને ગયા હતા, અને બાઈક પર બેસીને પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન રસ્તામાં બાઈકમાં પંચર પડી જતાં ત્રણેય બાઇકની સાથે પગપાળા ચાલીને ઘર તરફ આવી જઇ રહ્યા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 ડી.જે. 1173 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે ત્રણેયને ઠોકરે ચડાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ભાનુબેન ને ગંભીર ઈજા થઈ હોવાથી પોતાના પતિ શામજીભાઈ તથા પુત્ર દક્ષ ની નજર સમક્ષ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પતિ શામજીભાઈ તથા પુત્રને નાની-મોટીજા થઈ હોવાથી કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ અકસ્માતના બનાવ અંગે શામજીભાઈ બાંભવા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં કાલાવડ પોલીસે સ્વીફ્ટ કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ