મોવિયા સંત ખિમદાસબાપુ ચૈતન્ય સમાધી મંદિર ખાતે જલ જીલણી એકાદશી ની ભાવભેર ઉજવણી કરાઇ

ગોંડલનાં મોવિયા ધામ સંત ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યાના ઠાકર મંદિરે જલજીલણી અગીયારસના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જુની પરંપરા મુજબ જલ જીલણી એકાદશીના દીવસે ઠાકોરજી ને ઢોલ નગારા ના તાલે વાજતે ગાજતે મહાપ્રભુજીની બેઠકે રુપાવટી નદીએ જલ જીલવા લય જવામાં આવ્યા હતા. રુપાવટી નદીના કિનારે ભગવાન ઠાકોરજીને નવા વાંધા પહેરાવી નવા નીરના વધામણા કરીને મંગળ આરતી ઉતારવામાં આવી હતી. પરંપરા મુજબ ભગવાન ઠાકોરજી ના મહાપ્રભુજી ની બેઠકના મુખ્યાજી દ્વારા ઓવારણાં લેવાય છે. આ સમયે સંતો મહંતોનું ભેટપુજા સાલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે મોવિયા ધામ વડવાળી જગ્યા ના વર્તમાન ગાદીપતિ પૂ. મહંત ભરતદાસ બાપુ એ જણાવ્યું હતું કે કાના (કૃષ્ણ)નો શ્રાવણ માસની આઠમના દિવસે જન્મ થયા પછી એકવીસમા દિવસે એટલે કે ભાદરવા માસની અગીયારસ ના દીવસે માતા જસોદાજી કાનાને નદીએ નાહવા માટે લઇ જાય છે. ત્યારથી દેહાણની જગ્યાઓમા અને ઠાકર મંદિરે કે રામજી મંદિર એ આ જલજીલણી અગીયારસની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવી છે. મોવિયા ધામ સદાવ્રત રામજી મંદિરના ઠાકોરજી રાત્રી ના વાજતે ગાજતે ભજન કીર્તન સાથે નગરચર્યાએ નીકળે છે. મોવિયા ધામના પવિત્ર સ્થાનો પર ઠાકોરજીની છડીના પુકાર સાથે પધરામણી થાય છે. પ્રસાદ વહેંચાયને ઉછામણી થાય છે. આ તકે સદાવ્રત રામજી મંદિરના મહંત ગોપાલદાસ બાપુ, મોવિયા ગામના ધાર્મિક આગેવાનો અને ધર્માચાર્ય અલ્પેશ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ