સ્થાનિક ચૂંટણીઓ જીતવા માટે માઈક્રો પ્લાનિંગ ગોઠવવા કાર્યકરોને આહવાન
ગીરના પાટનગર તાલાલા શહેરમાં તાલાલા નગર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે વરાયેલા પદાધીકારીઓનો પદગ્રહણ સમારોહ તથા જનસંવાદ પરીવર્તન કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ નાં અધ્યક્ષ સ્થાને અને પ્રદેશ ઉપપ્રમુખ હિરાભાઈ જોટવા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખપદે વરાયેલ નારણભાઈ ભંડેરી,શહેર પ્રમુખપદે વરાયેલ માલદેભાઈ સોલંકી સહિતના નવા વરાયેલા પદાધિકારીઓને પાર્ટીના પ્રદેશ અને જીલ્લાના વરીષ્ઠ અગ્રણીઓએ ઉમળકાભેર આવકારી શુભકામનાઓ પાઠવી હતી..
પ્રાસંગિક પ્રવચન દરમ્યાન વિવિધ વક્તાઓએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા કાર્યકરોને આહવાન કરતા જણાવ્યું હતું કે ગામડાના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ભૂમિકા વિશેષ છે.તાલાલા પંથક કાયમી કોંગ્રેસ નો ગઢ રહ્યો છે અને રહેશે.તાલાલા વિસ્તારમાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણી ઉપરાંત નગરપાલિકા ની ચુંટણીઓમાં પણ કોંગ્રેસ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે માટે લોક સંપર્ક વધારવા,આ વિસ્તારની લોક સમસ્યાઓ ઉજાગર કરી લોકોને યોગ્ય ન્યાય અપાવવા તથા પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બનાવવા…માઈક્રો પ્લાનિંગ માટે સૌ કાર્યકર્તાઓએ અત્યારથી જ કામે લાગી જવા અનુરોધ કર્યો હતો.પાર્ટીના અગ્રણીઓએ કાર્યકરો સાથે સંવાદ કરી આ વિસ્તારના લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ની વિગતો સાંભળી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પ્રભારી મહેશભાઈ રાજપૂત,તાલુકા પ્રભારી કિર્તીબેન અગ્રાવત,પાર્ટીના વરિષ્ઠ અગ્રણી માનસિંગભાઈ ડોડીયા,કરશનભાઈ બારડ વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરી પાર્ટીના વરિષ્ઠ અગ્રણીઓએ વધાવ્યા હતા.અંતમા તાલાલા શહેર તથા તાલુકાના કોંગ્રેસ પ્રમુખે સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
આ કાર્યક્રમમાં તાલાલા શહેર તથા તાલુકામાંથી બહોળી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો.
