ગોંડલ ખાતે કોર્ટ મુદતે આવતી વેળા ટ્રેનના ડબ્બામાં જ બન્યા બેભાન
ઓખાથી વેરાવળ આવતી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એસઆરપી ગ્રુપ-21 ના જવાન સુરજભાઈ મોતીભાઈ પૂજાકર ઉં.વ.38 નું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ થી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. જવાન ગોંડલ ખાતે કોર્ટ મુદત માટે નીકળ્યા હતા, પરંતુ મુસાફરી દરમિયાન તેમનું નિધન થયું હતું અને ટ્રેનના ડબ્બામાં બેભાન હાલતમાં મળ્યા હતા.
આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, મીઠાપુર થી જનરલ ડબ્બામાં મુસાફરી કરી રહેલા સુરજભાઈ પૂજા કર ટ્રેનમાં નિદ્રાવસ્થામાં હતા. ગોંડલ સ્ટેશન આવતા તેઓ ઉતર્યા ન હોતા અને ટ્રેન અંતિમ સ્ટેશન વેરાવળ પહોંચી હતી. તમામ મુસાફરો ઉતરી ગયા બાદ રેલવે સ્ટાફ લાઈટ, પંખા અને દરવાજા બંધ કરવા તથા સાફ-સફાઈ માટે ડબ્બામાં ગયા ત્યારે જવાન બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગેની જાણ તાત્કાલિક સ્ટેશન માસ્ટરને કરવામાં આવી હતી. જેના પગલે રેલવે પોલીસ કોન્સ્ટેબલ રાજદિપસિંહ ઝાલા અને મેણસીભાઇ જેઠવા સહિતના સ્થળ પર પહોંચ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે જવાનને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બાદમાં રેલવે આઉટ પોસ્ટના એએસઆઈ ભુરાભાઈ કરગઠીયા એ મૃતક ના થેલા અને પર્સની તપાસ કરતા એસઆરપી ગ્રુપ-21 નું ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને મોબાઈલ મળી આવ્યા હતા. આ આધારે મૃતકના પરિવારજનો – પિતા અને બહેન ને જાણ કરવામાં આવી હતી. સોમનાથ મંદિર ખાતે ફરજ બજાવતા એસ આર પી કંપનીના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, તેમને હોસ્પિટલમાં પહોંચીને મૃતકની ઓળખ કરી હતી. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાણવા મળેલ છે. મૃતક સુરજ ભાઈ મોતીભાઈ પૂજાકર એસઆરપી ગ્રુપ-21 માં ફરજ બજાવતા હતા અને તેઓ સી-1 કર્મવીર સોસાયટી, રેલવે પૂર્વ, કલોલ જિલ્લો ગાંધીનગર ના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.
