પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે મહાશિવરાત્રી નિમિત્તે ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ અન્વયે ઉજવાઈ રહેલા સાંસ્કૃતિક કાર્યક્રમના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપી પરત ફરી રહ્યા હતા ત્યારે સોમનાથની બાળાએ તેમને ’પેન્સિલ સ્કેચ’ અર્પણ કર્યો હતો. જેને મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ સ્વીકાર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વાત્સલ્યભાવથી ભેટ સ્વીકારી અને સુંદર સ્કેચ બદલ રક્ષા પરમાર નામની બાળાની સરાહના કરી હતી.
રક્ષા પરમારે આ અંગે પોતાનો હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું બી.એ. ગુજરાતીમાં અભ્યાસ કરૂ છું અને ઘણા સમયથી મુખ્યમંત્રીશ્રીને પેન્સિલ સ્કેચ ગિફ્ટ આપવાની ઈચ્છા હતી, પરંતુ મને યોગ્ય અવસર પ્રાપ્ત થતો ન્હોતો. આજે અહીં મહાશિવરાત્રી નિમિત્તે મુખ્યમંત્રીશ્રી સોમનાથના આંગણે પધાર્યા તો મને હાથો-હાથ પેન્સિલ સ્કેચ આપવાની તક મળી. જેથી હું મારી જાતને નસીબવંતી સમજું છું.
તેની સાથે જ રહેલી અન્ય એક બાળા જે પણ પેન્સિલ સ્કેચ બનાવે છે તે મકવાણા ઈવાએ જણાવ્યું હતું કે, હું આઠમા ધોરણમાં અભ્યાસ કરું છું અને મેં કૈલાશ ખેર અને જિગરદાન ગઢવી સહિત સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઘણા કલાકારોને પેન્સિલ સ્કેચ ગિફ્ટ આપ્યા છે.
આમ, રક્ષા પરમાર અને મકવાણા ઈવા માટે મહાશિવરાત્રીના દિવસે મુખ્યમંત્રીશ્રીને મળ્યાનો અવસર અવિસ્મરણિય સંભારણું બની રહ્યો હતો.
