હિંન્દુ સંમેલન સમિતી દ્વારા સેવાભાવી સંસ્થાઓનું સન્માન કરાયુ
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે હિન્દુ સંમેલન સમિતિ રાણપુર મંડલ દ્વારા ખાદી ભંડારના હોલમાં હિન્દુ સંમેલન યોજાયું હતું. ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવવા માટે એકતા અને સામાજિક ઉન્નતિના વિચારો સાથે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.સંમેલનમાં ઋતુ મહારાજ હનુમાનપુરી રાણપુર, સંજય ગીરી મહારાજ કપિલેશ્વર મહાદેવ, હરિરામભાઈ દેસાણી ધારપીપળા, રાધેશ્યામભાઈ ધારપીપળા અને દિલીપભાઈ ઠાકર અંબાજી મંદિર કિનારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિ દ્વારા તમામ સંતોનું ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય વક્તા સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા સહ-સંયોજક મહેન્દ્રભાઈ પ્રજાપતિએ હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને પંચ પરિવર્તન વિશે વાત કરી હતી. તેમણે કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય જેવા મુખ્ય વિષયો પર ભાર મૂક્યો હતો.ઋતુબાપુએ જણાવ્યું હતું કે ચરાચર સૃષ્ટિની પૂજા, નદી અને વૃક્ષને માતા સમાન માનવાની ભાવના હિન્દુ સંસ્કૃતિની વિશિષ્ટતા છે. તેમણે હિન્દુ સમાજને એકજૂથ બનીને સનાતન ધર્મની રક્ષા કરવા હાકલ કરી હતી. સંમેલનના અધ્યક્ષ ગોવિંદભાઈ ડાભીએ કાર્યક્રમની માહિતી આપી સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં હિરલ ખાણીયાએ હિન્દુ ધર્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા, જ્યારે માતૃશક્તિની બહેનો દ્વારા તલવાર રાસ પણ રજૂ કરવામાં આવ્યો હતો.સંમેલનના અંતે સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ જેવી કે ગૌ નંદી સેવા ગ્રુપ, માનવપથ સેવા ગ્રુપ, બાપા સીતારામ મઢુલી ધારપીપળા, વિહળ મંડળ, અખંડ આનંદ, રાણપુર મુક્તિધામ, ભુતનાથ મહાદેવ ભજન મંડળનું સન્માન કરાયું હતું. આ ઉપરાંત વ્યક્તિગત સેવા કરતા લોકો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પણ સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન ભારત માતાની આરતી સાથે થયું હતું.
