જામનગરમાં મહિલાઓ-બાળકોની સુરક્ષા વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ઉપાસના પ્રતિષ્ઠાનની અનોખી પહેલને નાગરીકોએ બીરદાવી

ઉપાસના પ્રતિષ્ઠાન દ્વારા 14 ફેબ્રુઆરી ના તથાકથિત વેલેન્ટાઈન ડે નિમિત્તે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પ્રોત્સાહિત કરવા તથા સમાજજાગૃતિ લાવવા હેતુસર મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા વિષયક બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જામનગર શહેરના રામેશ્વર નગર, નંદન પાર્ક-2 વિસ્તારમાં યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ તથા બાળકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન “ઉપાસના પ્રતિષ્ઠાન”ના સંસ્થાપક તથા સંચાલક ઉપાસના ઠક્કર દ્વારા ભારતીય સંસ્કૃતિની સાચી સમજ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મહિલાઓ અને બાળકોની સુરક્ષા સંબંધિત કાનૂની જાગૃતિ, સામાજિક જવાબદારી, આત્મસુરક્ષા અને નૈતિક સંસ્કારો જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનું વિસ્તૃત રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહિલાઓ અને બાળકોને જાગૃતતા સાથે સંસ્કારપૂર્ણ જીવન જીવવા પ્રેરણા મળે તે હેતુથી ચર્ચા અને માર્ગદર્શન સત્રો યોજાયા હતા. 15 ફેબ્રુઆરીના રોજ એક તબીબ ના સહયોગથી ઉપસ્થિત સૌને હળવા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમની સફળ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઉપાસના પ્રતિષ્ઠાન દ્વારા તબીબ ના આ સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ