ચોબારા પ્રકારના દૂલર્ભ શિવાલયોમાં સ્થાન પામતા મંદિરમાં દિવસભર ધર્મમય કાર્યક્રમો યોજાયા
’છોટીકાશી’ જામનગરમાં મહાશિવરાત્રિ પર્વ પર પરોઢથી શિવાલયોમાં ભક્તોનો સાગર ઉમટ્યો હતો.નાગેશ્વર વિસ્તારમાં આવેલ નગરની સ્થાપના પૂર્વેનાં માનવામાં આવતા અતિ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરે હર હર મહાદેવનાં નાદ સાથે ભક્તો શિવજીને પ્રસન્ન કરવા અને શિવ આરાધના થી ધન્ય થવા પહોંચ્યા હતાં. હજારો ભક્તો ની શિવ આરાધના થી સમગ્ર વિસ્તાર અલૌકિક ઉર્જાથી સભર થઇ ગયો હતો. કે.વી.રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ ભગવાન શંકરનાં ભક્તો બમ બમ ભોલેનાં જયઘોષ સાથે ઉમટ્યા હતાં. ચોબારા પ્રકારનાં વિશ્વનાં 3 દુર્લભ શિવાલયોમાં સ્થાન પામતા આ મંદિરે પણ હજારો ભક્તોએ શિવલિંગનાં અભિષેક – પૂજન તથા દર્શનનો લાભ લઇ શિવત્વની અનુભૂતિ કરી હતી.હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે શ્રી વૈજનાથ મહાદેવને મહાકાલ જ્યોતિર્લિંગ સ્વરૂપનાં શ્રીંગાર કરી ભસ્મ આરતી કરવામાં આવી હતી. ભસ્મ આરતીનાં દિવ્ય દર્શન તથા મહાકાલ સ્વરૂપની ઝાંખીથી ભક્તો ધન્ય થયા હતાં. મંદિરે શિવલિંગનાં જળાભિષેક માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત પણ નગરનાં વિવિધ શિવાલયોમાં ચાર પ્રહરની પૂજા – વિશેષ ઝાંખીઓ સહિતનાં આયોજન કરવામાં આવ્યા હતા અને ’છોટીકાશી’ માં મહાશિવરાત્રિ પર્વ પર પરમ શ્રદ્ધા સાથે ’શિવોત્સવ’ ઉજવાયો હતો.
