સૂત્રાપાડા નવદૂર્ગા મંદિર ખાતે યોજાયેલા સ્વદેશી મેળા થકી સ્થાનિક કારીગરો, સ્વસહાય જૂથો અને નાના વેપારીઓને એક મજબૂત પ્લેટફોર્મ મળી રહ્યું છે અને ‘વોકલ ફોર લોકલ’ પહેલ સાથે સ્થાનિક મહિલાઓ પોતાના ઉત્પાદનોનું આ મેળામાં વેચાણ કરી અને આત્મનિર્ભરતા તરફ મક્કમ મનોબળથી ડગ માંડી રહી છે.
સ્વસહાય જૂથ સાથે જોડાયેલા આવા જ એક મહિલા બામણિયા મોતીબહેને સ્વદેશી મેળાઓ અને તેમના દ્વારા મળતી તકનો અનુભવ વ્યકત કરી રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
મોતીબહેને જણાવ્યું હતું કે, સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરી અને અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. હું સ્વસહાય જૂથમાં જોડાયેલી છું. આ જૂથમાં અમે દસ બહેનો સાથે મળી અને કામ કરી રહ્યાં છીએ.
ઉત્પાદન ની વાત કરતા મોતી બહેને જણાવ્યું કે, અમે દસ બહેનો સાથે મળી અને ઓર્ગેનિક સાબુ-શેમ્પૂ વગેરે જેવા ઉત્પાદનોનું ઘરે બેઠા-બેઠા જ નિર્માણ કરીએ છીએ. આ ઉત્પાદનની સાથે જ સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્ટોલ ફાળવાયો છે. જેથી વેચાણ કરવું પણ સરળ બન્યું છે. આ ઉત્તમ વ્યવસ્થા બદલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું.
ઉલ્લેખનીય છે કે, 15 માર્ચ 2026 સુધીમાં રાજ્યની તમામ 152 નગરપાલિકાઓ માં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ 1500થી વધુ સ્ટોલ સ્વસહાય જૂથોને ફાળવવામાં આવ્યા છે, જ્યારે શેરી ફેરીયા ઓને 1400થી વધુ સ્ટોલ આપવામાં આવ્યા છે.
