અમરેલી ન.પા.ની છેલ્લી સામાન્ય સભા બંધ બારણે અને બે મિનિટમાં સંપન્ન! : સત્તાપક્ષના સભ્યો જ ગેરહાજર

સામાન્ય સભાની મંજુરી વિના કરોડો રૂપિયાના કામો મંજૂર કરવા સામે વિપક્ષ સહિત સત્તાપક્ષના સભ્યોનો પણ ગેરરીતિનો આક્ષેપ

(પ્રતિનિધિ દ્વારા) અમરેલી તા. 27
અમરેલી પાલિકામાં ભ્રષ્ટાચારને બહાલી આપવાના કારસા સામે વિરોધ વંટોળ વચ્ચે વર્તમાન શાસનકાળની છેલ્લી સામાન્ય સભા બંધ બારણે યોજવામાં આવી. હતી અને એક પણ ઠરાવ ઉપર ચર્ચા કર્યા વગર માત્ર બે મિનિટમાં સભા પૂરી કરી દેવામાં આવી હતી. સત્તા પક્ષના જ સાત સભ્યો આ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. સભા પૂરી થયા બાદ પ્રમુખ અને મોટાભાગના સભ્યોએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા.
અમરેલી નગરપાલિકા દ્વારા સામાન્ય સભાની મંજૂરી મેળવ્યા પહેલા જ સતાધારી પક્ષે કરોડો રૂપિયાના કામો મંજૂર કરી કાર્યવાહી કરી દેવામાં આવી હતી. જેમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો સત્તાપક્ષ તેમજ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સત્તા પક્ષના સભ્યો દ્વારા પણ આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. અને પોતાના વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અને જે પણ ઠરાવો મંજૂર કરવામાં આવે તો તેમાં તેમની સહમતી નથી અને તેની જવાબદારી પ્રમુખ અને ચીફ ઓફિસરની રહેશે તેવું લેખિતમાં આપવામાં આવ્યું હતું.
સામાન્ય સભામાં કોઈપણ પ્રકારનો વાદવિવાદ ન થાય અને થાય તો તે બહાર ન આવે તે માટે અમરેલી પાલિકાના પ્રમુખ બીપીનભાઈ લીંબાણી દ્વારા અગાઉની જેમ છેલ્લી સભા પણ બંધ બારણે યોજવાની ફરજ પડી હતી. કોઈપણ પ્રકારનો વિવાદ ન કરવા સભ્યોને પક્ષના દબાણ વચ્ચે આ સામાન્ય સભામાં અમરેલી પાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા સહિત સત્તા પક્ષ ભાજપના જ સાત સભ્યો ગેરહાજર રહ્યા હતા.
સામાન્ય સભામાં જે ઠરાવો મંજૂરી માટે મૂકવામાં આવ્યા હતા તેમાં બેફામ ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપના જ સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. અને તેને મંજૂરી આપવાથી ભવિષ્યમાં જવાબદારી ઉભી થાય તો પાલિકાના સભ્યો પણ આ માટે જવાબદાર ઠરે તેવા કારણે આ તમામ સભ્યો ગેરહાજર રહ્યા હોવાની શક્યતા છે. આ ગેરહાજર રહેલા તમામ સભ્યો અને અન્ય સભ્યોએ અગાઉથી જ અમરેલી નગરપાલિકાને લેખિતમાં પોતાની સહમતી ન હોવાનું જણાવી દીધું હતું.
અગાઉ સામાન્ય સભામાં લીક કરી દેવામાં આવેલા અમરેલી નગરપાલિકાના બજેટને આ સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું. જોકે બજેટ હોવા છતાં પણ રજૂ કરનાર દ્વારા કોઈ પ્રવચન આપવામાં આવ્યું ન હોતું કે બજેટ મંજુર કરનાર સભ્ય દ્વારા પણ કોઈ ચર્ચા કરવામાં આવી ના હતી. એજન્ડા મુજબના કોઈપણ ઠરાવ ઉપર કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર સભ્યોની સહી લીધા બાદ તમામ ઠરાવો પાસ પાસ કરીને અમરેલી નગરપાલિકામાં લોકોએ ચુંટીને મોકલેલા સભ્યો માત્ર કઠપૂતળી હોય તેમ હા હજૂરી કરીને નીકળી ગયા હતા.

વિરોધ પક્ષના સભ્યો દ્વારા લેખિતમાં વિરોધ
અમરેલી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સેજલબેન પ્રહલાદભાઈ સોલંકી, સમીરભાઈ કુરેશી સહિતના વિરોધ પક્ષના સદસ્યો દ્વારા આ સામાન્ય સભા દરમિયાન પ્રમુખ, ચીફને લેખિતમાં પત્ર આપવામાં આવ્યો હતો જેમાં અમરેલી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા ઠરાવવામાં વિરોધ પક્ષનો વિરોધ હોવાનું અને ભ્રષ્ટાચારના કામ અને મંજૂરી આપતા હોવાથી તેમાં સહમતી ન હોવાનું જણાવ્યું છે. અમરેલી નગરપાલિકાના ઇતિહાસમાં ચૂંટાયેલા સભ્યો અને સત્તા પક્ષના સભ્યો વચ્ચે ભાગવતાના કારણે આંતરિક વિરોધ થી પ્રમુખે તમામ સામાન્ય સભાઓ બંધ બારણે પડી હતી અને તમામ સભાઓમાં કોઈ પણ ચર્ચા વગર માત્ર પાચ પાસ કરી ચૂંટાયેલા સભ્યોએ કઠપૂતળીની ભૂમિકા નિભાવી હતી. અમરેલી તાલુકાના પ્રમુખ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ થયો હતો. જેથી અમરેલીપાલિકાના ઇતિહાસમાં આ પાંચ વર્ષની સૌથી કલંકિત કાળ માનવામાં આવે છે જેનો આગામી તારીખ 16 માર્ચના રોજ અંત થશે અને બોડીની મુદત ત્યારે પૂરી થઈ જાય છે.

રિલેટેડ ન્યૂઝ