રસ્તામાં જ પ્રસુતિની પીડા વધતા એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે પ્રસુતિ કરાવાઈ
વેરાવળ તાલુકાના ઈણાજ ગામ ની સગર્ભા મહિલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ કર્મચારીઓ દ્વારા પ્રસુતિની પીડા વધુ થતા એમ્બ્યુલન્સ માં જ સુરક્ષિત રીતે પ્રસુતિ કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ વિગતો આપતા 108 એમ્બ્યુલન્સ ના ઈ.એમ.ટી કંચન જાદવે જણાવ્યું હતું કે, ઈણાજ ગામની મહિલાને પ્રસુતિની પીડા થતી હોવાનો કોલ મળતા જ પાયલોટ અભિષેક સોલંકી સાથે સ્થળ પર પહોંચી મહિલાને હોસ્પિટલ લઈ જતા હતાં. તે સમયે મહિલાને પ્રસુતિની પીડા અસહનીય બનતા રસ્તામાં જ કુશળતાપૂર્વક જરૂરી સારવાર આપી મહિલાની સુરક્ષિત પ્રસુતિ કરવામાં આવી હતી અને મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
બાળક જન્મ સમયે રડ્યું ન હતું જેથી ચિંતા થઈ હતી પરંતુ ઇએમટી ની કુશળતા અને શીર્ષ અધિકારીના માર્ગદર્શન અને સહયોગથી બાળક અને માતા બંનેને સારી સારવાર આપી જીવ બચાવી વધુ સારવાર માટે વેરાવળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ કામગીરી બદલ 108 એમ્બ્યુલન્સ ના અધિકારી વિસ્તૃત જોશી અને આકાશભાઈ દ્વારા એમ્બ્યુલન્સ સ્ટાફની પ્રશંસા કરવામાં આવી હતી.
