ખંભાળિયા નજીક બોલેરોની મોટરકાર સાથે ટક્કરમાં એકનું મૃત્યુ

મોટરકારમાં આગ ભભૂકી ઉઠતા બે વ્યક્તિને ઈજા

ખંભાળિયા નજીકના ધોરીમાર્ગ પર આજરોજ ચઢતા પહોરે એક મોટરકાર અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં જઈ રહેલા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા – જામનગર માર્ગ પર મેઘપર પડાણા ગામે ગેરેજનું કામ કરતા વિજયભાઈ હીરાભાઈ રાઠોડ નામના 33 વર્ષના યુવાન એક આઈ-20 મોટરકાર મૂકવા અત્રે પોર ગેઈટ ખાતે આવ્યા હતા. તેમની સાથે તેમના મિત્ર પારસભાઈ અને યશ ચંદ્રવાડીયા નામના યુવાનો પણ હતા. જી.જે. 01 એચ.ક્યુ. 5573 નંબરની વેગન આર મોટરકારમાં તેઓ ગત રાત્રિના આશરે બે વાગ્યાના સમયે અહીંથી પરત જવા માટે નીકળ્યા હતા.
ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દૂર ભાણ ખોખરી ગામના પાટીયા નજીક વહેલી સવારે આશરે ચારેક વાગ્યાના સુમારે પહોંચતા આ માર્ગ પર જઈ રહેલા જી.જે. 37 વી 0446 નંબરના એક બોલેરો પીકઅપ વાહન સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર ટક્કરમાં મોટરકારમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી.
આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા વિજયભાઈ રાઠોડને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ સારવાર કારગર નીવડે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે યુવાનો પારસભાઈ અને યશભાઈને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ આગના કારણે વેગન-આર મોટરકાર મહદ અંશે સળગી જવા પામી હતી. સાથે બોલેરોના આગળના ભાગમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ તથા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સાથે જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર વિભાગની ટીમે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મયુરભાઈ હીરાભાઈ રાઠોડ (ઉ.વ. 22, રહે. અમરદંડ, તા. રાણાવાવ, જી. પોરબંદર)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે બોલેરો વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ