સુચારૂ આયોજન અંગે ખંભાળીયામાં ખાસ બેઠક યોજાઇ
ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનોનો ઉત્સવ માધવપુર ઘેડનો મેળો યોજાશે. ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુન: ઉજાગર કરતા દ્વારકામાં રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમના અનુસંધાને ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુન:ઉજાગર કરવા દ્વારકામાં તા. 31 માર્ચના રોજ રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, આરોગ્ય, વીજ પુરવઠો, શોભાયાત્રાના સમગ્ર રૂટ પર સ્વચ્છતા સહિત તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ, પ્રાંત અધિકારી કે.કે. કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
