ઘઉં કાળા પડી ગયા
ઘઉંના પાકમાં પણ ભારે નુકસાન નોંધાયું છે,ખેડૂતોના કહેવા મુજબ ઘઉંનો પાક તૈયાર હતો અને હવે માત્ર લણણી બાકી હતી. પરંતુ વાવાઝોડા સાથે માવઠું પડતા પાક જમીન પર ઢળી ગયો છે.ખેડૂતોને એક વિઘે અંદાજે 10 થી 12 હજારનો ખર્ચ થયો હતો, પરંતુ હવે પાક પલળી જવાથી ઘઉં કાળા પડી જવાની ભીતિ છે. આવી સ્થિતિમાં મજૂરી ખર્ચ પણ નીકળે તેમ નથી અને ખેડૂતોને પલળી ગયેલા પાકને ખાતર બનાવવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગુરૂવારે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને વીરપુર અને વીરપુર પંથકના પીઠડીયા, મેવાસા સહિતના ગામોમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા વરસાદ અને પવનના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મોટા પ્રમાણમાં તૈયાર થયેલા ઘઉં, ચણા, જીરું અને ધાણા,મકાઈ જેવા પાકો જમીન પર ઢળી પડ્યા છે, જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, વીરપુર પંથકમાં ગુરૂવારે બપોર બાદ મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.ખેતરોમાં ઉભેલો ઘઉંનો પાક ઢળી પડ્યો છે. સાથે ચણાનો પાક કાપીને પાથરા ખેતરમાં મુકાયો હતો, ત્યારે અચાનક વરસાદ ખાબકતા ચણો પલળી ગયો અને ભારે પવનના કારણે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં ફેલાઈ ગયા હતા.ઘઉં, ચણા, જીરું, ધાણા અને મકાઈ જેવા પાકોમાં ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ જ્યારે લણણીનો સમય આવ્યો હતો, ત્યારે કુદરતના આ પ્રહારે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે ઢળી પડેલો અને પલળી ગયેલો પાક સડી જવાની પૂરેપૂરી શક્યતા ઉભી થઈ છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે, કમોસમી માવઠાના કારણે ચણાનો પાક સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો છે,ખેડૂતોએ ચણાની કાપણી કરીને પાથરા ખેતરમાં મુક્યા હતા, પરંતુ વરસાદ પડતા ચણો બગડી ગયો,વાવાઝોડાના કારણે પાથરા ઉડીને અન્ય ખેતરોમાં જતાં રહ્યા અને ઘણા સ્થળોએ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.ખેડૂતે એક વિઘે અંદાજે 8 થી 10 હજારનો ખર્ચ કર્યો હતો, પરંતુ પાક બગડતા હવે મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે, જેથી આ આર્થિક સંકટમાંથી તેમને થોડી રાહત મળી શકે.
