દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયત સાથે 4 તાલુકા પંચાયત, 2 નગરપાલિકા તથા સાલાયા પાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમાં મહત્વની જિલ્લા પંચાયતમાં અંદાજિત 64.02 ટકા મતદાન નોંધાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો માટેના આજરોજ કરવામાં આવેલા મતદાનમાં 69.41ટકા પુરુષ, 58.16 ટકા સ્ત્રી મળી સરેરાશ 64.02 ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. આ સાથે ખંભાળિયા તાલુકા પંચાયતની 24 બેઠક માટે 68.07 ટકા, ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠક માટે 57.32 ટકા, કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 65.58 ટકા અને દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 62.42 ટકા મતદાન થવા પામ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની 9 વોર્ડની 31 બેઠક માટેની ચૂંટણીમાં 61.84 ટકા અને જામ રાવલ નગરપાલિકાના 6 વોર્ડની ચૂંટણીમાં 79.12 ટકા મતદાન થવા પામ્યું છે. આ સાથે સલાયા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 57.31 ટકા મતદાન થયું છે.
જિલ્લામાં કુલ 2,99,743 પુરુષ અને 2,32,993 સ્ત્રી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, જિલ્લામાં કુલ 5 લાખ 32 હજાર 736 લોકોએ મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ચૂંટણીમાં સલાયાની પેટા ચૂંટણીમાં પુરુષ કરતા સ્ત્રી મતદારોનું મતદાન વધુ રહ્યું છે. આ વચ્ચે નોંધનીય છે કે આજરોજ મતદાન પૂર્વે જ ખંભાળિયાની વોર્ડ નંબર 6 ની આખી પેનલ તેમજ અન્ય એક ઉમેદવાર સહિત નગરપાલિકાના 5 ઉમેદવારો અને ખંભાળિયા તાલુકા પંચાયતમાં 2 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. આજરોજ રાત્રે જિલ્લાના તમામ 420 ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.માં શીલ થયા છે અને જે-તે સ્થળે સુરક્ષિત રીતે ઈ.વી.એમ. મશીનો પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે. મંગળવાર તા. 28 એપ્રિલના રોજ યોજાનારી મતગણતરીમાં ઉમેદવારોના ભાવિ ખુલશે. હાલ કોણ ઉમેદવાર જીતશે અને કોણ હારશે તે અંગેની ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ છે.
