ઉનામાં સીટી સર્વે વિભાગની ઘોર બેદરકારી: મુખ્યમંત્રી સુધી રજુઆત

સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ જ અધિકારીઓ હાજર: પ્રજાના કામો અધ્ધરતાલ

વિકાસના બણગાં ફૂંકતી સરકારના નાક નીચે જ ઉના શહેરમાં સીટી સર્વે તંત્રની ઘોર અવ્યવસ્થા અને બેદરકારીનો ચહેરો સામે આવ્યો છે. 45,000થી વધુ પ્રોપર્ટી કાર્ડ ધારક નાગરિકો માટે માત્ર એક જ સીટી સર્વે ઓફિસ અને તે પણ અઠવાડિયામાં ફક્ત 3 દિવસ જ અધિકારીની હાજરી, તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. નાગરિકોના કામો વર્ષો સુધી લટકતા રહેતા અને અરજદારો ધક્કા ખાઈને પરતફરતા હોવાની કડવી વાસ્તવિકતાને લઈને ઉનાના અગ્રણી ચંદ્રકાંત પોપટલાલ કોટેચા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આકરો પત્ર લખી સરકારી તંત્રની ઝાટકણી કાઢી છે.
સરકારી ધારાધોરણ સ્પષ્ટ કહે છે કે દર 5,000 પ્રોપર્ટી કાર્ડ ધારકો દીઠ એક સીટી સર્વે ઓફિસ હોવી જોઈએ. તે હિસાબે ઉના શહેરમાં ઓછામાં ઓછી 9 ઓફિસો ધમધમતી હોવી જોઈએ. પરંતુ તંત્રની ઘોર નિષ્ક્રિયતાને કારણે 45,000 નાગરિકો માત્ર એક જ ઓફિસના ભરોસે રઝળી રહ્યા છે. આ એક જઓફિસ માં પણ સ્ટાફના નામે મીંડું છે. અઠવાડિયામાં ફક્ત 3 દિવસ જ ઓફિસર દેખા દે છે, જેના કારણે નાના-મોટા કામો માટે પણ નાગરિકોને એક-એકવર્ષસુધીરાહજોવી પડે છે.
ચંદુભાઈ કોટેચા એ પત્રમાં તંત્રની પોલ ખોલતાજણાવ્યું છે કે ઉના શહેરમાં સીટી સર્વે ઓફિસ માટે 3 ગાળા જમીન ફાળવેલી પડી છે. છતાં ત્યાં ન તો અરજદારો માટે બેસવાની વ્યવસ્થા છે, ન પાર્કિંગ છે, ન પીવાના પાણીની સગવડ છે. લોકો તડકામાં લાઈનમાં ઉભા રહીને પોતાના હક્કનું કામ કરાવવા માટે તરસે છે. તંત્ર પાસે જમીન હોવા છતાં વિશાળ અને સુવિધાયુક્ત ઓફિસ બનાવવાની ઈચ્છાશક્તિ જ ન હોય તેવો ઘાટ ઘડાયો છે.
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ચંદુભાઈ કોટેયાએ સરકારની આકરી ઝાટકણી કાઢતા લખ્યું છે કે, “ડબલએન્જિનની સરકારમાં મતદારો ખોબલે ને ખોબલે મતો આપીને દરેક વહીવટી વિભાગની સત્તાઓ આપણને સોંપતા જાય છે. પરંતુ પરિણામ સ્વરૂપે મતદારોને પોતાના સરકારી કામ કરાવવા માટે પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે.
આ કટાક્ષ સીધો સરકારની કામગીરી પર સવાલ ઉઠાવે છે. જ્યારે ચૂંટણીમાં મત માંગવા નેતાઓ ઘેર-ઘેર ફરે છે, ત્યારે જનતાના રોજિંદા કામો માટે તંત્ર કેમ ઊંઘતું ઝડપાય છે? અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી કેમ હલતું નથી?
ચંદુભાઈ કોટેયાએ મુખ્યમંત્રી પાસે તાત્કાલિક ત્રણ માંગણીઓ મૂકી છે.ઉના માટે કાયમી અને પૂર્ણકાલીન સીટી સર્વે ઓફિસરની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે. 45 હજારની વસ્તીને ધ્યાને લઈને વધારાની ઓછા માં ઓછી 8 નવી સીટી સર્વે ઓફિસોતાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. મુખ્ય માર્ગ પરવિશાળજગ્યા ફાળવીને તમામ સુવિધાયુક્ત સેન્ટ્રલ સીટી સર્વે ભવન નું નિર્માણ કરવામાં આવે.
જો તંત્ર હવે પણ આંખ આડા કાન કરશે તો નાગરિકોને સાથે રાખીને જલદ આંદોલનના મંડાણ કરવાની ફરજ પડશે, તેવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સુશાસનના દાવા કરતી સરકાર માટે ઉનાની આ ઘટના એક લાલબત્તી સમાન છે. કાગળ પરના નિયમો અને જમીની હકીકત વચ્ચે આસમાન-જમીનનું અંતર છે. પ્રોપર્ટીના કામો માટે નાગરિકો હેરાન થાય,ધંધારોજગાર રોકાઈ જાય અને વર્ષો સુધી ફાઈલો ધૂળ ખાતી પડી રહે, ત્યારે સવાલ એ થાય છે કે આ તંત્ર જનતા માટે છે કે જનતા તંત્ર માટે? હવે જોવાનું એ રહે છે કે મુખ્યમંત્રી આ રજૂઆતની ગંભીર નોંધ લઈને તંત્રને દોડતું કરે છે કે પછી હંમેશની જેમ ફાઈલ દબાઈને પડી રહે છે.આ રજુઆત ઉના તાલુકા ના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ને પણ જાણ હેતું કરાય છે

રિલેટેડ ન્યૂઝ