વેરાવળના ઉદ્યોગપતિને વડાપ્રધાનના યુરોપ પ્રવાસમાં સામેલ થવાનો મળ્યો અવસર


વેરાવળ-સૌરાષ્ટ્ર અને ખારવા સમાજ માટે ગૌરવની વાત

વેરાવળના દીપમાલા સી ફૂડ વાળા ફીશ ઉદ્યોગપતિ જગદીશભાઇ વેલજીભાઈ ફોફંડી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ થવાનો અવસર મળ્યો છે. આ પ્રવાસ તા.16 મે થી તા.22 મે, 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે.
આ પ્રવાસમાં વડાપ્રધાન યુએઇ, નોર્વે, સ્વીડન, નેધરલેન્ડ અને ઈટાલી જેવા પાંચ મહત્વપૂર્ણ દેશના વડાપ્રધાનો અને ઉદ્યોગ નેતાઓ સાથે વેપાર, માછીમારી, બ્લુ ઇકોનોમી, સમુદ્ર નિકાસ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી રહ્યા છે. આ પ્રવાસ નો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક વેપાર અને સમુદ્રી અર્થતંત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવાનો છે, જેમાં ખાસ કરીને સીફૂડ નિકાસ અને દરિયાકાંઠાની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ ઐતિહાસિક પ્રતિનિધિમંડળમાં, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ના ભૂતપૂર્વ પ્રમુખ અને સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ જગદીશ વેલજીભાઈ ફોફંડી ને ભારત સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય (ઙખઘ) દ્વારા વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.
વેરાવળ, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ખારવા સમાજ માટે ગર્વ અને સન્માનની ક્ષણ છે. વેરાવળના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે ખારવા સમાજના કોઈ આગેવાનને ભારત સરકારના આંતરરાષ્ટ્રીય વેપાર પ્રતિનિધિમંડળમાં સ્થાન મળ્યું છે. જગદીશભાઈ ફોફંડી વર્ષોથી માછીમારીનો ઉદ્યોગ, સીફૂડ નિકાસ અને સમાજસેવામાં સક્રિય રહીને વેરાવળ અને દેશનું નામ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે કે મહેનત, દૃઢતા અને સમાજ પ્રેમ દ્વારા વૈશ્વિક સ્તરે પણ ઓળખ બનાવી શકાય છે. સમગ્ર વેરાવળ શહેર, ખારવા સમાજ અને વિવિધ વેપારી એસોસિએશનના અગ્રણીઓ દ્વારા જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડી ને આ સિદ્ધિ બદલ આવકાર્ય છે.

રિલેટેડ ન્યૂઝ