યુવા ખેલાડીઓએ અમદાવાદમાં એસઆરટી10 અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે વિશેષ મુલાકાત દરમિયાન સચિન તેંડુલકર સાથે સમય વિતાવ્યો

અમદાવાદમાં આવેલી એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સ સ્પોર્ટ્સ એકેડમીમાં આજે પ્રેરણાદાયી અને ભાવનાત્મક માહોલ વચ્ચે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે એકેડમીમાં તાલીમ લઈ રહેલા યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન તેમણે બાળકો, માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે નજીકથી સંવાદ સાધ્યો હતો.
ક્રિકેટને લગતી પ્રવૃત્તિઓ અને અનૌપચારિક સત્રો દરમિયાન બાળકો સાથે મેદાનમાં જોડાઈને સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને રમત દ્વારા શિસ્ત, ધીરજ અને શીખવાની ખુશીને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના આ સંવાદે એકેડમીમાં ઉપસ્થિત તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનો માટે યાદગાર ક્ષણો સર્જી હતી. ઘણા લોકોએ આ અનુભવને જીવનમાં એક જ વાર મળતી તક ગણાવી હતી.
કાર્યક્રમ બાદ સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ નથી કે તે ક્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં મને વધુને વધુ એમ લાગવા લાગ્યું છે કે ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય અથવા દબાણ વગર રમતનો આનંદ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ. જ્યારે બાળકો મેદાનમાં ઉતરે છે, ત્યારે તેઓ માત્ર રમત જ રમતા નથી, પરંતુ તેઓ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્વાસ પણ શીખે છે. અમદાવાદના આ યુવા ખેલાડીઓમાં જોવા મળેલી ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર હૃદયસ્પર્શી હતી અને મને આશા છે કે આવી પહેલ વધુને વધુ બાળકોને રમત દ્વારા સપનાં જોવા માટે પ્રેરિત કરતી રહેશે.
એસજી રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલ શંકુસ ફાર્મ ખાતે આવેલી એસઆરટી10 અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડમીની શરૂઆત આ વર્ષના પ્રારંભમાં કરવામાં આવી હતી. આ એકેડમી વધી રહેલી એસઆરટી10 ઇકોસિસ્ટમનો એક ભાગ છે, જે પ્રોફેશનલ કોચિંગ, ફિટનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વાંગી ખેલાડી તાલીમ કાર્યક્રમો દ્વારા પાયાના સ્તરે રમતગમતના વિકાસને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. નવી મુંબઈ ખાતે ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં આવેલી ફ્લેગશિપ એસઆરટી10 ગ્લોબલ એકેડમી બાદ સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી આ ભારતની બીજી એકેડમી છે.

રિલેટેડ ન્યૂઝ