અમરેલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદેદારો વરાયા

અમરેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આજે પાલિકાના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ભાજપ દ્વારા એ ગ્રેડની અમરેલી નગરપાલિકાના પ્રમુખપદ માટે વૈશાલીબેન માંગરોળીયાની પ્રથમ અઢી વર્ષ માટે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખપદે વિરલ પોપટની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે મૌલિક ઉપાધ્યાયની નિમણૂક થતાં ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો.
અમરેલી નગરપાલિકાની સત્તા ફરી ભાજપના હાથમાં આવતાં શહેર ભાજપ સંગઠન તથા કાર્યકરોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી. નવી ટીમની વરણી બાદ પાલિકા કચેરી ખાતે કાર્યકરો અને આગેવાનો દ્વારા નવનિયુક્ત સુકાનીઓનું ફૂલહાર અને શુભેચ્છાઓ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રમુખપદે વરાયેલા વૈશાલીબેન માંગરોળીયાએ શહેરના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, પીવાના પાણી, માર્ગ-ગટર સહિત નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. ઉપપ્રમુખ તરીકે પસંદ થયેલા વિરલ પોપટે શહેરના વિકાસકાર્યોમાં સૌના સહકારથી આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જ્યારે કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાયે પાલિકાના વહીવટને વધુ ગતિશીલ અને પારદર્શક બનાવવા પ્રયાસ કરવાની વાત કરી હતી.

રિલેટેડ ન્યૂઝ