ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અશોક લાધવાની થઈ નિમણૂંક

ઉપપ્રમુખ પદે સુજાનસિંહ ગોહિલ અને કારોબારી ચેરમેન તરીકે પ્રદીપ રાઠોડની વરણી

ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા આજે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ભવનના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. આ વરણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે અન્ય કોઈ ફોર્મ ન ભરાતા ભાજપના ત્રણેય પદાધિકારીઓ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જેમાં પ્રમુખ તરીકે અશોકભાઈ લાધવા તથા ઉપપ્રમુખ તરીકે સુજાનસિંહ ગોહિલની વરણી થયેલ છે. આ જાહેરાત સાથે જ જિલ્લા પંચાયતમાં ભાજપનું એકચક્રી શાસન યથાવત રહ્યું છે, જેને પગલે સ્થાનિક ભાજપ સંગઠન અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયતની આજની બેઠકમાં ભાજપના વિજેતા સભ્ય અશોક લાધવાએ પ્રમુખ પદ માટે અને ઉપપ્રમુખ માટે ગોહિલે ઉપપ્રમુખ પદ માટે સત્તાવાર ઉમેદવારી નોંધાવી હતી. જેમાં વિપક્ષ તરફથી કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા બંને હોદ્દેદારોની આજે સોમવારે કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે પ્રદીપ રાઠોડની નિમણૂંક કરવામાં આવેલ છે. માત્ર 39 વર્ષની નાની ઉંમરના યુવાન અશોક લાધવા જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા અને વિજેતા થયા છે, તેમજ પ્રથમ ટર્મમાં જ તેમના પર પૂર્ણ ભરોસો મૂકીને પ્રમુખ જેવી મહત્વની અને મોટો હોદ્દાની જવાબદારી સોંપી છે.
ભાવનગર જિલ્લા પંચાયતની આજની ખાસ બેઠકમાં પ્રમુખ-ઉપપ્રમુખ ઉપરાંત પંચાયતના અન્ય મહત્વના હોદ્દેદારોની પણ વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિનું સુકાન પ્રદીપભાઈ રાઠોડને સોંપવામાં આવેલ છે. આ ઉપરાંત, પંચાયતના શાસક પક્ષના દંડક તરીકે જેન્તીભાઈ બાબુભાઈ બાંભણીયા અને નેતા તરીકે સમજુ બેન મકાભાઈ વાળા ની સત્તાવાર વરણી કરવામાં આવી હતી.તમામ નવયુક્ત પદાધિકારીઓએ આજે વિધિવત રીતે પોતાના નિમણૂંક પત્રો સ્વીકારીને પંચાયત ભવન ખાતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. નવા નિમણૂંક પામેલા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તથા ચેરમેન સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ અને મિત્રોએ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ