મુંદ્રા નજીક કાર-ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત : એકનું મોત

અન્ય બે યુવાનને ઈજા થતા સારવારમાં ખસેડાયા : આશાસ્પદ યુવાનના મોતથી પરિવાર શોકમગ્ન

મુંદ્રા તાલુકાના મોટી ભુજપુર નજીક ટ્રક અને સ્કોર્પીયો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા મુંદરાના આશાસ્પદ યુવાનનું મોત થયું હતું, જેને પગલે અરેરાટી ફેલાઈ હતી. આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ પણ ઘવાયા હતા, જેઓને સારવાર માટે ખસેડાયા છે.
આ બાબતે મળતી માહિતી પ્રમાણે ભુજપુર આંટી પાસે ગેલડા સર્કલ પર આ બનાવ બન્યો હતો. સ્કોર્પીયો માંડવીથી મુંદરા તરફ આવી રહી હતી અને ત્યારે આંટી પર ટ્રક સાથે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભી હતો કે, સ્કોર્પીયો કારમાં ઉપરનો છજો આખો ઉડી ગયો હતો. વાહનનો બુકડો બોલી ગયો હતો. તાત્કાલિક લોકો ભેગા થઈ ગયા અને તેમાં સવાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અકસ્માત ગંભીર હોવાના કારણે આ બનાવમાં મુંદરામાં રહેતા હરેશભાઈ હીરજીભાઈ સીજુ નામના ગુવાનનું મોત થયું હતું. તેઓ મુંદરામાં નિર્મલ ગેસ સર્વિસની એજન્સી સાથે સંકળાયેલા હતા.
આશાસ્પદ યુવાનના મોતથી ગમગીની ફેલાઈ હતી. અન્ય બે લોકોને પણ ઈજાઓ થતા તેઓને વધુ સારવાર માટે ગાંધીધામ લાઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સુનીલ માંજુ અને સુરેશકુમાર પ્રતાપરામને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. બનાવ સ્થળે પોલીસ મોડેથી પહોંચી હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ