જૂના જમાનાની સોનાની માળા લેવાની લાલચમાં ફસાયા: સગા-સંબંધીઓ પાસેથી ઉછીના, બેંક લોન લઈને પૈસા ભેગા કર્યા’તા
જામનગરમાં સોનાની માળા વેચવાના બહાને એક રિક્ષાચાલક પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લેવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ અનુસાર બે અજાણ્યા શખ્સોએ પહેલાં આશ્રમ માટે દાન માંગીને ઓળખાણ કેળવી હતી અને ત્યારબાદ સોનાના મોતી તથા સોનાની માળાની લાલચ આપીને ફરિયાદીને જાળમાં ફસાવ્યો હતો.
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની વિજય ભગવાનદાસ દેવમુરારી રામાનંદી સાધુ (ઉંમર વર્ષ 45) જે છકડા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 23 મેના રોજ તેમના ઘરે આવેલા બે શખ્સોએ આશ્રમની પરચી બતાવી દાન માંગ્યું હતું. ત્યારબાદ તેમણે જૂના જમાનાનો સિક્કો બતાવી ઓળખાણ વધારી હતી. બીજા દિવસે દ્વારકામાં બોલાવી એક સોનાનો મોતી બતાવ્યો હતો, જે સોની પાસે ચકાસતાં સાચો હોવાનું અને અંદાજે 2,400 રૂપિયાની કિંમત હોવાનું જણાવાયું હતું.
આ પછી આરોપીઓએ તેમની પાસે આવી જ સોનાના મોતીની આખી માળા હોવાનું કહી તેની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા થવાની વાત કરી હતી. માળા ખરીદવા માટે ફરિયાદીએ મિત્ર, સગાસંબંધીઓ પાસેથી રૂપિયા ઉછીના લીધા હતા તેમજ બેંકમાંથી લોન મેળવી કુલ 15 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. ફરિયાદી વિજયભાઈને ગત 26 તારીખે બપોર ના અરસા માં જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ નજીક બોલાવી પૈસા પડાવ્યાનો આક્ષેપ કરાયો છે.
ગત 26 મે ના રોજ ફરિયાદી પોતાની પત્ની અને સંતાનો સાથે ભાડા ની કારમાં જામનગર આવ્યા હતા. આરોપી ધનાભાઈ પરમાર અને વિજય ને તેઓ સાત રસ્તા વિસ્તારમાં મળ્યા હતા. ત્યારબાદ ફરિયાદીએ એચડીએફસી બેંકમાંથી સાત લાખ રૂપિયા ઉપાડી કુલ 15 લાખ રૂપિયા સાથે સરકારી જી.જી. હોસ્પિટલ નજીક પહોંચ્યા હતા.
ફરિયાદ મુજબ આયુર્વેદિક હોસ્પિટલના પાછળના દરવાજા પાસે બન્ને આરોપીઓ જેમાં એકનું નામ ધનાભાઈ પરમાર તથા બીજા નું નામ વિજય કે જેઓએ રૂમાલમાં વીંટાળેલી કથિત સોનાની માળા બતાવી હતી અને તરત જ પૈસા માંગ્યા હતા. ફરિયાદીએ માળા ચકાસ્યા બાદ જ રૂપિયા આપવાની વાત કરતાં બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ હોસ્પિટલમાં દર્દી દાખલ હોવાનું કહી પૈસા તાત્કાલિક આપવા દબાણ કર્યું હતું. પૈસા નહીં આપો તો દર્દીને કંઈ થશે અને તમારા વિરુદ્ધ ખૂનનો આરોપ મૂકવામાં આવશે તેવી ધમકી આપી હતી. સાથે જ પરિવારને નુકસાન પહોંચાડવાની બીક બતાવી ફરિયાદી પાસે રહેલી 15 લાખ રૂપિયાની બેગ બળજબરીથી છીનવી લીધી હતી.
આ ઘટનાથી ફરિયાદી અને તેમનો પરિવાર ગભરાઈ ગયો હતો. ભયના કારણે તરત ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. બાદમાં હિંમત એકત્ર કરી આરોપી ધનાભાઈ પરમાર અને તેના સાથી વિજય સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલિસ માં.ફરિયાદ નોંધાવી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ઠગાઈ, ધમકી અને રૂપિયા પડાવી લેવાના આક્ષેપો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હનુમાન ગેટ પોલીસ ચોકીના પી.એસ.આઇ એસ.જી. કેશવાલા સમગ્ર મામલા ની તપાસ ચલાવી રહ્યા છે.
