માળિયા હાટીના તાલુકાના ગડુ (શેરબાગ) મુકામે આવેલી સ્વ. માતૃશ્રી જે.એન. ચારિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન પરંપરા અને દેવભાષા સંસ્કૃતના પ્રચાર-પ્રસાર માટે વિશેષ સંસ્કૃત કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પહેલ સંસ્કૃત ભાષાના સંવર્ધન અને વિદ્યાર્થીઓને ભારતીય જ્ઞાન પરંપરા સાથે જોડવાના હેતુથી કરવામાં આવી છે.
સંસ્કૃત ભાષા ભારતના અવિનાશી જ્ઞાન વારસાની આધારશિલા માનવામાં આવે છે. વેદો, ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો, આયુર્વેદ, યોગ, ખગોળશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર જેવી અમૂલ્ય પરંપરાઓનું મૂળ સંસ્કૃત ભાષામાં રહેલું છે. સંસ્કૃતના સંવર્ધન દ્વારા માત્ર ભાષાનું જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, નૈતિક મૂલ્યો, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રભાવનાનું પણ જતન થાય છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષા અને સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે ચાલી રહેલા પ્રયાસોને અનુરૂપ શાળાના સંચાલક અરજણભાઈ ચારિયા, સંસ્થાના નિયામક પરાગભાઈ ચારિયા, મંત્રી નીલાબેન ચુડાસમા, મેનેજમેન્ટ ટીમના દિવ્યાબેન, અમિતભાઈ અને દર્શનાબેન તેમજ કેમ્પસ ડિરેક્ટર ગોવિંદભાઈ ચારિયાના માર્ગદર્શન અને સહયોગથી આ વિશિષ્ટ સંસ્કૃત કક્ષ તૈયાર કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજયભાઈ પાલીવાલના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલી આ કક્ષમાં સંસ્કૃત સુભાષિતો, શ્લોકો, ભારતીય ઋષિ-મુનિઓના જીવનદર્શન, ભારતીય જ્ઞાન પરંપરાની માહિતી તથા વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ વધશે અને તેમને ભારતીય સંસ્કૃતિના મૂળ તત્ત્વો વિશે વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત થશે.
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષા સાથે જોડવા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સુધી પહોંચાડવા માટે આ કક્ષ મહત્વપૂર્ણ સાબિત થશે. આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્ય, સંસ્કાર, નૈતિક મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બનશે.
શાળાના સંચાલન મંડળે આ સંસ્કૃત કક્ષ માટે માર્ગદર્શન અને સહયોગ આપવા બદલ ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ખાસ ફરજ પરના અધિકારી ડો. સંદીપ ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થા પરિવારને વિશ્વાસ છે કે આ સંસ્કૃત કક્ષ ભવિષ્યમાં દેવભાષા સંસ્કૃતના પ્રચાર-પ્રસાર અને સંવર્ધનનું પ્રેરણાદાયી કેન્દ્ર બનશે તથા વિદ્યાર્થીઓને ભારતની વૈભવી જ્ઞાન પરંપરા સાથે વધુ નજીકથી જોડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
