ગઢડા ખાતે સ્વચ્છતા અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

ગઢડા(સ્વામીના) ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા સ્વચ્છતા અને એક પેડ મા કે નામ અભિયાનોના ભાગરૂપે વિવિધ વિકાસલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી તથા સાંસદ નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમોમાં નગરસુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ગઢડા સર્કિટ હાઉસ ખાતે અંદાજે રૂ. 52 લાખના ખર્ચે તૈયાર કરાયેલા મીની ફાયર ટેન્કરના લોકાર્પણથી કરવામાં આવી હતી. આ મીની ફાયર ટેન્કર નગરની સાંકડી ગલીઓ અને આંતરિક વિસ્તારોમાં સરળતાથી પહોંચી શકશે, જેના કારણે આગ જેવી આપત્તિજનક પરિસ્થિતિઓમાં ઝડપી અને અસરકારક કામગીરી શક્ય બનશે.
આ ઉપરાંત વડાપ્રધાનના એક પેડ મા કે નામ 3.0 અભિયાન અંતર્ગત ગઢડા ખાતે રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ આવેલા વિસ્તારમાં સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સો કરતા વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ, હરિયાળીનો વિકાસ અને ભાવિ પેઢી માટે સ્વસ્થ પર્યાવરણ નિર્માણના સંદેશ સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણમાં સહભાગિતા નોંધાવી હતી.
આ પ્રસંગે બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા, ગઢડા નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર, કારોબારી ચેરમેન સુરેશભાઈ ડવ, ચીફ ઓફિસર દિગ્વિજય પ્રજાપતિ, અગ્રણી સુરેશભાઈ ગોધાણી, મુકેશભાઈ હીહોરિયા, હિતેશભાઈ પટેલ, શહેર પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, અશોકભાઈ ડેરવાળિયા, વિજયભાઈ શેફાત્રા સહિતના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ