અચાનક પગ લપસતા કેનાલમાં પડી જતા ઉંડા પાણીમાં ગરકાવ થતા કાળ ભેટયો
ધ્રાંગધ્રાના રાજગઢ ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક યુવકના પરિવારમાં ભારે માતમ છવાયો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ રાજગઢ ગામમાં રહેતો 25 વર્ષીય આશાસ્પદ યુવક હિતેશભાઈ રાયસીંગભાઈ થોરા કેનાલ નજીકથી પસાર થઈ રહ્યો હતો.
આ દરમિયાન અગમ્ય કારણોસર અચાનક તેનો પગ લપસી ગયો હતો. પગ લપસી જવાના કારણે હિતેશ સીધો કેનાલના ઊંડા અને વેગવંતા પાણીમાં ખાબક્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોવાના લીધે તે પોતાની જાતને બચાવી શક્યો ન હતો અને જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો કેનાલ કાંઠે એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
ઘટના સ્થળે પહોંચેલી ફાયર ફાઇટર્સની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલના પાણીમાં ભારે શોધખોળ આદરી હતી. કલાકોની જહેમત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
સ્થાનિક પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને તેને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
