લીંબડી પંથકમાં પાસ-પરમીટ વગર દોડતા 25થી વધારે ડમ્પરો ઝડપાયા

પોલીસનો સપાટો, એક ચાલકે ફરજમાં રૂકાવટ કરતા ફરિયાદ નોંધાઈ

લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતા વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. લીંબડી સર્કલ નજીક હાથ ધરાયેલા વિશેષ ચેકિંગ દરમિયાન ઓવરલોડ અને જરૂરી પાસ-પરમીટ વિના દોડતા 28 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ ડમ્પરોને પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ડમ્પરોના દસ્તાવેજો, રોયલ્ટી પાસ અને પરિવહન સંબંધિત પરવાનગીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં અનેક વાહનો નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ આધારે, તમામ 28 ડમ્પરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન એક ડમ્પર ચાલકે પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી હતી. આ મામલે, ફરજ પર હાજર પીએસઆઈ દ્વારા સંબંધિત ચાલક વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લીંબડી પોલીસની આ કાર્યવાહીને કારણે હાઈવે પર ગેરકાયદેસર ખનિજ પરિવહન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આવા સઘન ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે, જેથી નિયમોનું પાલન સુનિશ્ચિત થઈ શકે અને માર્ગ સુરક્ષા જળવાઈ રહે.

રિલેટેડ ન્યૂઝ