જગત મંદિરે જયેષ્ઠાભિષેક મહોત્સવ ઉજવાયો દ્વારકાધીશને આમ્રરસ, અઘોરકુંડના પવિત્ર જળથી અભિષેક કરાયો

દ્વારકાના જગતમંદિરમાં રવિવારના રોજ પરંપરા અને શ્રદ્ધાભાવ સાથે પવિત્ર જયેષ્ઠાભિષેક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રના શુભ અવસરે દર વર્ષે યોજાતો આ વિશિષ્ટ ધાર્મિક ઉત્સવમાં શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે. રવિવારે સવારે મંગલા આરતી બાદ 8 વાગ્યે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક વિધિપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઋતુ અનુસાર પવિત્ર આમ્રરસ (આંબાનો રસ) તેમજ દ્વારકાના અતિ પવિત્ર અઘોરકુંડના જળથી શ્રીજીને જલાભિષેક કરવામાં આવ્યું હતું. ભક્તો માટે આ અલૌકિક દર્શનનો વિશેષ ધાર્મિક મહિમા માનવામાં આવે છે. જયેષ્ઠાભિષેક ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા અઘોરકુંડમાંથી પવિત્ર જળ લાવવાની પરંપરા પણ નિભાવવામાં આવી. ચાંદીના બેડાં, તાંબડી અને અન્ય ચાંદીના પાત્રોમાં અઘોરકુંડના જળની પૂજા કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે વાજતે-ગાજતે આ જળ જગતમંદિર સુધી લાવવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પરથી નીકળતી આ પવિત્ર જળયાત્રા ભક્તિ અને આસ્થાનું અનોખું દૃશ્ય સર્જાયું હતું. ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષાઋતુના આગમનના સમયગાળા સાથે જોડાયેલા આ ઉત્સવમાં પવિત્ર જળને ઔષધિયુક્ત બનાવી રાત્રિ અધિવાસન કરવામાં આવે છે. ત્યારબાદ આ જળથી શ્રીજીનો અભિષેક કરવામાં આવે છે. સાંજના સમયે મંદિર ખાતે જળકુંડ (હોજ) માં પવિત્ર જળ ભરવામાં આવશે અને ભગવાનના બાલ સ્વરૂપ ગોપાલજીને નૌકામાં બિરાજમાન કરી જલયાત્રા એટલે કે નૌકાવિહાર ઉત્સવ યોજાયો હતો. જગતમંદિરમાં આ પાવન પ્રસંગ નિમિત્તે ઠાકોરજીના નિત્ય દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. જયેષ્ઠાભિષેક દર્શન સવારે 8 થી 9 વાગ્યા સુધી, ત્યાર બાદ શૃંગાર આરતી અને અન્ય નિત્યક્રમ નિયમ મુજબ અને સાંજે ઉત્સવ અને ઉત્થાપન દર્શન 5 વાગ્યે તથા જલયાત્રા (નૌકાવિહાર) દર્શન રાત્રે 9:30 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આવતીકાલે સોમવાર તા. 29 જૂનના રોજ પૂર્ણિમા નિમિત્તે મંગલા આરતી સવારે 6 વાગ્યે યોજાશે. વર્ષમાં માત્ર બે પ્રસંગે શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે, જેમાં જન્માષ્ટમી અને જયેષ્ઠાભિષેકનો સમાવેશ થાય છે. જયેષ્ઠાભિષેકનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વિશેષ છે. દેશ-વિદેશના ભાવિકો તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

રિલેટેડ ન્યૂઝ