અત્યાર સુધી દસ સિંહો પાંજરે પૂરાયા, વધુ સિંહોની શોધખોળ યથાવત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે પાંચ વર્ષના માસૂમ બાળક પર થયેલા જીવલેણ સિંહ હુમલા બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં વ્યાપક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઘટનાને પગલે અત્યાર સુધી કુલ 10 સિંહોને પકડી પાંજરે પૂરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં સિંહોની સતત અવરજવર અને લોકોમાં ફેલાયેલા ભયને ધ્યાનમાં રાખીને વન વિભાગ સતત પેટ્રોલિંગ અને મોનીટરીંગ કરી રહ્યું છે.
ઘટનાના દિવસે જ વન વિભાગની ટીમે 8 સિંહોને ટ્રેન્ક્યુલાઇઝ કરી રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા હતા. ત્યારબાદ ગત રાત્રે ચતુરી ગામ નજીકના વિસ્તારમાંથી વધુ 2 સિંહોને પકડી લેવામાં આવતા કુલ આંકડો 10 પર પહોંચ્યો છે.
વન વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ બાળક પર એકથી બે સિંહોએ હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે હુમલામાં કયા સિંહો સામેલ હતા તે અંગે તપાસ અને વૈજ્ઞાનિક વિશ્લેષણની કાર્યવાહી ચાલુ છે.
ચતુરી સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી હોવાનું સામે આવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છે. સાવચેતીના ભાગરૂપે વન વિભાગ દ્વારા વધુ સિંહોને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે તેમજ ગામોમાં સતત પેટ્રોલિંગ, કોમ્બિંગ અને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
વન વિભાગે ગ્રામજનોને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, બાળકો પર ખાસ નજર રાખવા તેમજ સિંહ દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. સમગ્ર ઘટનાક્રમને લઈને ચતુરી અને આસપાસના પંથકમાં ભારે ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
