પાંચ વિઘામાંથી હવે 5 થી 7 લાખની આવક લાઠીના ખેડૂતો ઇઝરાયેલી ખારેકની ખેતીથી બન્યા પ્રેરણા સ્ત્રોત

અમરેલી જિલ્લાના લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત ખેતી સાથે હવે બાગાયતી ખેતીનું મહત્વ સતત વધી રહ્યું છે. કપાસ, મગફળી, ઘઉં અને અન્ય પરંપરાગત પાકોની ખેતી કરતા ખેડૂતો હવે વધુ નફાકારક અને આધુનિક પાકોની ખેતી તરફ આગળ વધી રહ્યા છે. આવી જ એક સફળતા લાઠીના બે ખેડૂતો દ્વારા ઇઝરાયેલી જાતની ખારેક (ખજૂર)ની ખેતીમાં જોવા મળી છે, જેઓએ પાંચ વિઘા જમીનમાંથી લાખોની આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. લાઠીના ખેડૂત વિનુભાઈ ભાટીયાએ પાંચ વિઘા જમીનમાં પ્રથમ વખત ખારેકનું વાવેતર કર્યું હતું શરૂઆતમાં તેમને પણ આ પાક અંગે શંકા હતી, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને મહેનતના પરિણામે ખારેકના છોડનો સારો વિકાસ થયો અને ઉત્તમ ઉત્પાદન મળવા લાગ્યું. વિનુભાઈના જણાવ્યા અનુસાર અગાઉ આ જ જમીનમાં પરંપરાગત ખેતી દ્વારા વર્ષ દરમિયાન અંદાજે 50 થી 70 હજાર રૂપિયાની આવક થતી હતી, જ્યારે હવે ખારેકની ખેતીમાંથી અંદાજે 5 લાખ રૂપિયા જેટલી આવક મળી રહી છે. આગામી વર્ષોમાં ઉત્પાદન વધતા આ આવક 7 થી 8 લાખ રૂપિયા સુધી પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત લાઠીના બીજા ખેડૂત રણછોડભાઈ સાબલપરાએ પણ ઇઝરાયેલી જાતની ખારેકનું પાંચ વિઘામાં વાવેતર કર્યું હતું. પ્રથમ જ વર્ષે તેમને સારો પ્રતિસાદ અને નોંધપાત્ર ઉત્પાદન મળતાં તેઓએ આ વર્ષે ખેતી વિસ્તાર વધારીને 10 વિઘા સુધી પહોંચાડ્યો છે.
રણછોડભાઈના જણાવ્યા અનુસાર એક ખારેકના છોડમાંથી અંદાજે પાંચ મણ જેટલું ઉત્પાદન મળે છે. બજારમાં ઇઝરાયેલી ખારેકનો ભાવ સરેરાશ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી મળતો હોવાથી એક છોડમાંથી અંદાજે 5 હજારથી 10 હજાર રૂપિયા સુધીની આવક થઈ શકે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખારેકની ખેતીમાં અન્ય પાકોની સરખામણીએ મેન્ટેનન્સ ખર્ચ ખૂબ ઓછો આવે છે. એકવાર છોડ સારી રીતે વિકસિત થઈ જાય પછી તેની સંભાળ માટે ઓછો ખર્ચ થાય છે.

રિલેટેડ ન્યૂઝ