બાઈક ચાલક બન્નેને ઈજા એકની હાલત ગંભીર
ઉના તાલુકાના નાથડ અને પાલડી ગામ વચ્ચે આવેલા માર્ગ પર સાંજના સમયે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. દીવ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક અજાણી કારે બાઈકને જોરદાર ટક્કર મારતાં બાઈક પર સવાર બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શાડેસર ગામના કાંતિભાઈ ટીડાભાઈ ચારણીયા (ઉં.વ. 42) અને નરેશભાઈ ડાયાભાઈ સોલંકી (ઉં.વ. 40) દીવની એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતા હોવાથી રાત્રિ પાળીની ફરજ માટે પોતાની બાઈક પર દીવ જઈ રહ્યા હતા. દરમિયાન નાથડ અને પાલડી ગામ વચ્ચે પહોંચતા સામેની દિશાથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે તેમની બાઈકને જોરદાર અડફેટે લીધી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈકસવાર રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક રોકાયા વગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
ઇજાગ્રસ્ત કાંતિભાઈ ચારણીયાને પ્રાથમિક સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસ દરમિયાન તેમના હાથ અને પગમાં પાંચથી વધુ સ્થળે ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેમને ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત નરેશભાઈ સોલંકીને સારવાર માટે કોડીનાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં નવાબંદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. ફરાર કારચાલકને શોધી કાઢવા માટે આસપાસના વિસ્તારના ઈઈઝટ કેમેરાના ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નાથડ-પાલડી વચ્ચેનો માર્ગ દીવ તરફ જતો મુખ્ય માર્ગ હોવાથી અહીં ભારે વાહનવ્યવહાર રહે છે અને અગાઉ પણ અનેક અકસ્માતો બની ચૂક્યા છે. સ્થાનિકોએ આ માર્ગ પર વાહનોની ઝડપ નિયંત્રિત કરવા તથા જરૂરી સલામતીના પગલાં ભરવાની માંગણી કરી છે.
