ઉનાના વાંસોજ-શા.ડેશર માર્ગને સી.સી. રોડ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરિભાઈ સોલંકીએ વરસાદી નુકસાન ગ્રસ્ત ગામોને વળતર ચૂકવવાની કરી માંગ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ અને શા.ડેશર ગામને જોડતા જર્જરિત માર્ગને સિમેન્ટ કોંક્રિટ (સી.સી.) રોડમાં રૂપાંતરિત કરવા તેમજ વરસાદથી નુકસાન પામેલા દરિયાકાંઠાના અને ગ્રામ્ય વિસ્તારોને વળતર ચૂકવવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરિભાઈ બોઘાભાઈ સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે વાંસોજ અને શા. ડેશર ગામને જોડતો માર્ગ બંને ગામના લોકો માટે ઉના સાથે સંપર્કનો મુખ્ય અને ટૂંકો માર્ગ છે. આ રસ્તા પર રોજિંદી અવરજવર ભારે પ્રમાણમાં રહે છે. જોકે હાલ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી, ખાસ કરીને ચોમાસા દરમિયાન બંને બાજુ ખેતીના ખેતરો વચ્ચે પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આથી આ માર્ગને સી.સી. રોડ તરીકે વિકસાવવા સરકાર તાત્કાલિક મંજૂરી આપે તેવી માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે તાજેતરના ભારે વરસાદ અને કુદરતી આફતને કારણે નવાબંદર, સૈયદરાજપરા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ઉપરાંત સનખડા, પસવાળા, ગાગડા સહિતના અનેક ગામોમાં પણ વરસાદ અને ખેતીને થયેલા નુકસાનના કારણે ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરિભાઈ સોલંકીએ રાજ્ય સરકારને અસરગ્રસ્ત ગામોનું તાત્કાલિક સર્વેક્ષણ કરાવી નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોને વળતર ચૂકવવા તેમજ વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે.

રિલેટેડ ન્યૂઝ