બંધ માર્ગો તાબડતોબ ખુલ્લા કરતા લોકોને રાહત
ગત તા. 5 અને 6 જુલાઈ દરમિયાન સાવરકુંડલા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે તાલુકાના માર્ગ અને પંચાયત હસ્તકના અનેક રસ્તાઓને વ્યાપક નુકસાન થયું હતું. શેત્રુંજી અને શેલ નદીમાં ભારે પાણીની આવક થતાં કાંઠાના ગામોમાં માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને અનેક સ્થળોએ વાહનવ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવો પડ્યો હતો ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે નેસડી, કરજાળા, જીરા, ખડકાળા, જુનાસાવર, કેરાળા, હઠીલા, વાવ, ખાલપર, મેકડા, ધોબા, પીપરડી સહિતના ગામોને જોડતા માર્ગો પર પાણી ફરી વળતાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને નાળા પુલિયાઓને પણ નુકસાન પહોંચ્યું હતું
સાવરકુડલા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી સીમરણ-જીરા, જીરા-આંબા, જીરા-નાના ભમોદરા, નાના ભમોદરા-ખડકાળા, સાવરકુંડલા-નાના ભમોદરા, જુનાસાવર-કેરાળા, જીરા-જીરા સ્ટેશન, કેરાળા-કુકાવાવ, ખાલપર-બવાડી સહિતના મહત્વના માર્ગો પર બોર્ડર ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સાથે જ કોરિસફોલ, જેસીબી, હિટાચી, ટ્રેક્ટર અને મજૂરોની મદદથી રસ્તાઓના ધોવાણને દૂર કરી તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું હતું
સાવરકુંડલા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્રારા જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે સાવરકુંડલા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકના અંદાજિત 22 રસ્તાઓને નુકસાન થયું હતું તેમાંના 6 રસ્તાઓ સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા હતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની અવરજવર, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને દૈનિક કામકાજ માટે જતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે, વિભાગ દ્વારા તાબડતોબ કાર્યવાહી કરીને મોટાભાગના માર્ગો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. હાલમાં બાકી રહેલા 2 રસ્તાઓ પર પણ સમારકામની કામગીરી સતત ચાલી રહી છે માર્ગ અને મકાન પંચાયત વિભાગે જણાવ્યું છે કે વરસાદી પરિસ્થિતિ વચ્ચે લોકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અસરગ્રસ્ત તમામ માર્ગો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં જ્યાં ધોવાણ થયું છે ત્યાં માટી ભરાવવી, પુલિયાઓની મરામત કરવી, રસ્તાની સપાટી સમતલ કરવી અને જરૂરી સ્થળોએ મજબૂતાઈ વધારવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે.
