ગીર સોમનાથ જિલ્લામાં વાહક જન્ય રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગ સજ્જ

30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 4 અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા 2,58,390 ઘરની કરાઈ તપાસ

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2027 સુધી મેલેરિયામુકત ગુજરાતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં જુન માસના મેલેરિયા વિરોધી માસ અને જુલાઈ માસ ને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
’મેલેરિયામુકત ગુજરાત’ સૂત્રને સાર્થક કરવા સક્રિય પ્રયત્નો તમામ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. મેલેરિયાના અંત માટે આપણે પ્રતિબદ્ધ છીએ: આપણે તેનો અંત લાવીને જ રહીશું થીમ આધારિત જનજાગૃતિ ની કામગીરી જિલ્લામાં કરવામાં આવી રહી છે.
આ અભિયાન અન્વયે મેલેરિયા(આરોગ્ય)શાખા જિલ્લા પંચાયત તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરુણ રોય અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ડી.કે.ગૌસ્વામી ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 04 અર્બન હેલ્થ સેન્ટર ગીર સોમનાથ આરોગ્ય સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ ગામો / શહેરી વિસ્તારના હાઉસ ટૂ હાઉસ સર્વે હાથ ધરાયો હતો. આ સર્વે દરમિયાન તમામ શંકાસ્પદ મેલેરિયા કેસોના કુલ- 4,185 લોહીના નમૂનાનું માઈક્રોસ્કોપીક પરિક્ષણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, જૂલાઈ માસમાં જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પોરાનાશક કામગીરી કરતા હાઉસ ટુ હાઉસ સઘન સર્વે ઝૂંબેશ દરમિયાન 2,58,360 ઘરની તપાસ કરવામાં આવી હતી. જેમાં 4,185 તાવના કેસ મળી આવ્યા હતા.
તેમજ 16,54,460 પાત્રોની ચકાસણી કરતાં 8,301 પાત્રોમાં પોઝિટિવ બ્રિડિંગ જોવા મળ્યું હતું. જે તમામનો સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે પોઝિટિવ બ્રિડિંગ વાળા પાત્રોમાં ટેમીફોસ દવા દ્વારા તેમજ સોર્સ રિડકશન થી નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ, ખાડા-ખાબોચિયામાં ઓઈલ બોલ/ડાયફ્લ્યુબેન્ઝુરોન 25% નો છંટકાવ કરવામાં આવ્યો છે.
મેલેરિયા થતો અટકાવવા માટે મેલેરિયા વિભાગ દ્વારા અનેક જન જાગૃતિ ના કાર્યક્રમો તેમજ લોકોને સમજૂતી આપવામાં આવી છે. આ રીતે જિલ્લામાં મચ્છરનો ઉપદ્રવ ઓછો થાય અને તેના લીધે થતાં તાવ સહિતના રોગો અટકે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ