ઢસા-રાજુલા રૂટ પર 9.42 કરોડના ખર્ચે બનશે સુરક્ષિત કોરિડોર, 80 ટકા કામ પૂર્ણ

સિંહો માટે દેશનો પ્રથમ રેલ્વે અંડરપાસ તૈયાર
સિંહોની સુરક્ષિત અવરજવર માટે રેલ્વે અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે

એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે ગુજરાતમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લાના ઢસા-રાજુલા-પીપાવાવ રેલવે માર્ગ પર વન્ય જીવો, ખાસ કરીને સિંહોની સુરક્ષિત અવરજવર માટે દેશનો પ્રથમ વિશેષ રેલવે અંડરપાસ તૈયાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સિંહોને રેલવે ટ્રેક સુરક્ષિત રીતે પાર કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી તેમની રેલ અકસ્માતમાં થતી જાનહાનિ અટકાવવાનો છે.
ભાવનગર રેલવે મંડળના રેલ પ્રબંધક દિનેશ વાએ જણાવ્યું હતું કે વન વિભાગ અને ભારતીય રેલવેના સંકલિત પ્રયાસોથી આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. સિંહોની અવરજવર અને તેમના પ્રાકૃતિક કોરિડોરને ધ્યાનમાં રાખીને આ અંડરપાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી વન્યજીવોને કોઈ અવરોધ વિના સુરક્ષિત માર્ગ મળી રહે.
આ સમગ્ર પ્રોજેક્ટ હેઠળ ઢસા-રાજુલા-પીપાવાવ રેલવે રૂટ પર કુલ પાંચ સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. અંદાજે 9.42 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ કામમાં હાલમાં લગભગ 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બાકીનું કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે.
વન વિભાગના અંદાજ મુજબ આ વિસ્તારમાં આશરે 30 જેટલા એશિયાટિક સિંહોનું નિયમિત નિવાસ અને અવરજવર રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ટ્રેક પાર કરતી વખતે સિંહોના અકસ્માતમાં મોતની ઘટનાઓ સામે આવી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે અને વન વિભાગે સંયુક્ત આયોજન કરીને સિંહોની હિલચાલના માર્ગોનું વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા બાદ અંડરપાસ માટે સ્થળોની પસંદગી કરી છે. અંડરપાસ તૈયાર થયા બાદ સિંહો ઉપરાંત દીપડા, નીલગાય, ચિતલ સહિત અન્ય વન્યજીવોને પણ સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પાર કરવાની સુવિધા મળશે. નિષ્ણાતોના મતે આ મોડેલ સફળ સાબિત થશે તો ભવિષ્યમાં અન્ય વન્યજીવ વિસ્તારોમાં પણ આવી જ પ્રકારની સુવિધાઓ વિકસાવવામાં આવી શકે છે, જેના પરિણામે રેલ અકસ્માતમાં વન્યજીવોના મૃત્યમાં નોંધપાત્ર ઘટાડો થશે.

રિલેટેડ ન્યૂઝ