ઉનાના ખાપટ દારૂ કાંડની તપાસ પર ગુપ્તતાનો પડદો : ઉઠ્યા અનેક સવાલો

દારૂ કાંડની તપાસમાં મીડિયાથી અંતર કેમ? શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તાલુકા શિક્ષણાધિકારીના નિવેદનો નોંધાયા, મીડિયા સમક્ષ મૌન રહેલી તપાસ ટીમ ચર્ચાનું કેન્દ્ર

ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં સામે આવેલા ચર્ચાસ્પદ દારૂ કાંડની તપાસ ગુરુવારથી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી (નાયબ ડીડીઓ)ની આગેવાની હેઠળની તપાસ ટીમ તાલુકા શિક્ષણાધિકારી અન્ય અધિકારીઓ સાથે શાળામાં પહોંચી હતી. ટીમે શાળા ના આચાર્ય, તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર, તમામ શિક્ષકો તેમજ સમગ્ર ઘટનાથી સંબંધિત વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર તપાસ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેમની નજર સમક્ષ તપાસ ની કાર્યવાહીનો મોટાભાગનો ઘટનાક્રમ બન્યોહતો.જોકે તપાસ ટીમે શરૂઆતથી જ મીડિયાને કાર્યવાહીથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્થળ પર જોવા મળ્યું હતું. અધિકારીઓએ તપાસને આંતરિક અને ગુપ્ત પ્રક્રિયા ગણાવી મીડિયાને કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
સ્થળ પર હાજર મીડિયા પ્રતિનિધિઓના અવલોકન મુજબ, તપાસની શરૂઆતમાં શિક્ષકોને તેમના વર્ગખંડ માં જ કાગળ આપી પોતપોતાના નિવેદનો લખીઆપવા જણાવાયું હતું. આ દરમિયાન કેટલાક શિક્ષકોમાં પણ ચર્ચા ચાલી હતી કે નિવેદનો એકસાથે લખાવાઈ રહ્યા છે. જોકે, મીડિયાના પ્રતિનિધિઓ શાળામાં પહોંચ્યા બાદ તપાસની સમગ્ર પદ્ધતિમાં અચાનક ફેરફાર જોવા મળ્યો હતો.ત્યારબાદ શિક્ષકોને એકપછીએક આચાર્ય ની કચેરીમાં બોલાવી તેમના અલગ-અલગ (વન-ટુ-વન) નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મીડિયાને તપાસથી દૂર રાખવા માટે તાલુકા પંચાયતના કેટલાક કર્મચારીઓ મીડિયા પ્રતિનિધિઓની આસપાસ જ હાજર રહ્યા હોવાનું સ્થળ પર જોવા મળ્યું હતું. જેના કારણે મીડિયાને તપાસની નજીક પહોંચવામાં અવરોધ ઉભો થયો હતો. આ અંગે તપાસ ટીમે કોઈ સ્પષ્ટતા કરી નહોતી, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમે તપાસની પારદર્શિતા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
તપાસ દરમિયાન તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર, શાળાના આચાર્ય, તમામ શિક્ષકો ઉપરાંત જે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યાનો આક્ષેપ છે તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સંબંધિત અન્ય વિદ્યાર્થી ઓના નિવેદનો પણ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
સ્થળ પર હાજર મીડિયા પ્રતિનિધિઓએ એ પણ નોંધ્યું હતું કે તપાસ દરમિયાન એક અધિકારીએ આ સમગ્ર પ્રકરણ મીડિયામાં કેવી રીતે પહોંચ્યું? તેવો સવાલ કર્યો હતો. આ ટિપ્પણી બાદ સ્થળ પર હાજર લોકોમાં પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, આ મુદ્દે કોઈ અધિકારીએ સત્તાવાર રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો નથી.
તપાસ પૂર્ણ થયા બાદ તપાસ ટીમે મીડિયાને કોઈ સત્તાવાર બ્રીફિંગ આપ્યું નહોતું. અધિકારીઓ કોઈ નિવેદન આપ્યા વગર શાળામાંથી નીકળી ગયા હતા. જેના કારણે તપાસના પ્રાથમિક તારણો, જવાબદારી કોની નક્કી થશે અને આગામી કાર્યવાહી શું રહેશે તે અંગે સસ્પેન્સ યથાવત રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ખાપટ પ્રાથમિક શાળાનું દારૂ કાંડ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. શિક્ષણના પવિત્ર સ્થળ સુધી દારૂ પહોંચવાના આક્ષેપોએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને પ્રશ્નોના ઘેરામાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષક સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માં આવી હોવા છતાં હવે વહીવટી તપાસમાંથી શું બહાર આવે છે અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈની બેદરકારી કે જવાબદારી સામે આવે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.
હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયાર થનારા તપાસ અહેવાલ અને તેના આધારે લેવામાં આવનારા નિર્ણયો ની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને તથ્યોના આધારે પૂર્ણ થાય તેવી સ્થાનિકો, વાલીઓ અને શિક્ષણજગતની માંગ છે

રિલેટેડ ન્યૂઝ