સખી વન સ્ટોપ સેન્ટરમાં વ્યવસ્થા કરાઈ
સંકટ સમયે મહિલાઓ માટે ’જીવનદાયી સમાન 181 અભયમ મહિલા હેલ્પલાઇને અનેક મહિલા સબંધિત કિસ્સાઓમાં બોટાદમાં પોતાની સરાહનીય કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં જ પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને એક 9 મહિનાની માસૂમ દીકરી સાથે ઘર છોડી દેનાર એક નિ:સહાય માતાને 181 ટીમે હૂંફ આપી સુરક્ષિત આશ્રય સ્થાને પહોંચાડી હતી.
બોટાદ સિટી વિસ્તારમાં એક જાગૃત નાગરિકે 181 હેલ્પલાઇનમાં ટેલીફોનીક જાણ કરેલ કે એક અજાણી મહિલા પોતાની નાની બાળકી સાથે ઘણા સમયથી એક સ્થાન પર બેઠેલી જોવા મળેલ છે, તેના ચહેરાના હાવભાવ જોતા તે ચિંતાગ્રસ્ત જણાઈ આવતા અને તેને પૃચ્છા કરતા તેઓના પરિચય કે ક્યાં જવું છે તે બાબત જણાવી રહ્યા નહોતા જેથી પરિસ્થિતિની ગંભીરતા સમજીને નાગરિકે 181ની મદદ માંગી હતી.મહિલાને તાત્કાલિક મદદની જરૂર હોવાથી કોલ મળતાની ગણતરીની મિનિટોમાં જ બોટાદ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પાબેન કોશિયાણીયા અને પાયલોટ રિઝવાનભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા. ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના અને માનસિક હૂંફ આપીને મહિલા પાસેથી પ્રાથમિક માહિતી મેળવી હતી. વિશ્વાસ સંપાદન થતા કાઉન્સેલિંગ દરમિયાન પીડિતાએ જણાવ્યું કે તેના પિયર અને સાસરી પક્ષના લોકો દાહોદ જિલ્લામાં રહે છે, તેઓના લગ્નને બે વર્ષનો સમય થયો છે અને સંતાનમાં 9 માસની એક દીકરી છે. છેલ્લા બે મહિનાથી તે પોતાના પતિ સાથે મજૂરી કામ અર્થે બોટાદ આવેલ હતા, પરંતુ, પતિ નશાની હાલતમાં રહેતો હોવાથી તેમજ તેના દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતે તેણીએ પોતાની બાળકી સાથે ઘર છોડી દીધું હતું, મહિલા બોટાદ શહેરથી સાવ અજાણી હતી રાતનો સમય હતો અને તેની પાસે મુસાફરી કરવા માટે કોઈ પૈસા પણ ન હતા.વધુમાં, પીડિતાએ ઘરે પરત જવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી. આવી ભયજનક સ્થિતિમાં એક મહિલાની સુરક્ષિતતા ધ્યાને લઇ હતાશ થઈને મહિલા કોઈ આત્મઘાતી કે ખોટું પગલું ન ભરી લે, તે માટે 181 ટીમે અત્યંત સંવેદનશીલતાથી સમગ્ર કામગીરી હાથ ધરી હતી.પીડિતા અને તેની માસૂમ બાળકીની સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને, ટીમે તેમને પોલીસ સ્ટેશનની કાર્યવાહી વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ, બંનેને બોટાદ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર (ઘજઈ)માં સુરક્ષિત આશ્રય માટે ખસેડવામાં આવ્યા હતા. બોટાદ 181 અભયમ ટીમની આ ત્વરિત અને માનવીય કામગીરીની સ્થાનિક લોકોએ ભારે પ્રશંસા કરી હતી.
