ચોરી થયેલો તમામ મુદ્ામાલ કબજે લેવાયો
મેંદરડાની મેઈન બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાંથી રૂા. 77400ના ચાંદીના ભંગારની ચોરી કરનાર મહિલાને મેંદરડા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ, ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કબજે લીધો હતો.
મેંદરડાનાં જ્વેલર્સના વેપારી મહેન્દ્રભાઈ વ્રજલાલ સતીકુવર એ મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા પુરૂષ અને સ્ત્રી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરેલ જેમાં ગત તા. 14-7-26ના બપોરે 12-45 વાગ્યે અજાણ્યા આરોપી મહિલા-પુરૂષે ફરીયાદીની દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલ લાકડાની તીજોરી ખોલી, તેમાંથી ચાંદીનો ભંગાર આશરે 550 ગ્રામથી 600 ગ્રામ જેટલો જેની કિ. રૂ.77400ની ચોરી કરી લઈ ગયાનું જણાવેલ. જે ચોરીના વણશોધાયેલ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તથા મુદ્દામાલ શોધી કાઢવા મેંદરડા પોલીસ સ્ટેશનના પ્રો. પો.ઈન્સ. વી.જે.સાવજના સુપરવિઝન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી, પોલીસે સી.સી.ટી.વી ફુટેજ તથા ટેકનીકલ સોર્સીસની મદદથી આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા, જે દરમિયાન અંગત બાતમી મળેલ કે, ચોરીમા ગયેલ મુદ્દામાલ કેશોદ રહેતા નંદુબેન ભનુભાઈ બારીયા તથા તેનો જમાઈ રાહુલ પરમાર લઈ છે. જેથી સદર મહિલાને શોધી પોલીસ સ્ટેશન લઈ આવી પુછપરછ કરતા ઉપરોક્ત મુદ્દામાલ ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી અને પોલીસે ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ શોધી કાઢી, પકડાયેલ આરોપી નંદુબેન બારીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
