સૌરાષ્ટ્રના વિવિધ શહેરો-ગામોમાં રથયાત્રા-શોભાયાત્રા નીકળી: ઠેર-ઠેર સ્વાગત : ધાર્મિક સ્થળોએ મુર્તિ પૂજન, ઘ્વજારોહણ, બટુક ભોજન, મહાપ્રસાદ, સત્સંગ, સંતવાણી સહિતના ધાર્મિક આયોજનો થયા
મેઘરાજાએ જાણે અષાઢી બીજનું શુકન સાચવી લીધું હોય તેમ ઠેર ઠેર વરસાદ વચ્ચે ઉજવણી
સૌરાષ્ટ્રના જુદા જુદા ગામો શહેરોમાં અષાઢી બીજ પર્વની રંગે ચંગે અને આસ્થા અને ઉત્સાહથી ઉજવણી થઇ હતી. આ પ્રસંગે શોભાયાત્રા-રથયાત્રા નીકળી હતી. આ પ્રસંગે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ધાર્મિક સ્થળોએ મુર્તિ પુજન, ઘ્વજારોહણ, બટુક ભોજન, મહાપ્રસાદ, સત્સંગ, સંતવાણીના આયોજનો થયા હતા. અષાઢી બીજનું મેઘરાજાએ પણ જાણે શુકન સાચવી લીધું હોય તેમ વરસતા વરસાદે આ પર્વની ઉજવણી થઇ હતી. રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું.
ધોરાજીના તોરણીયા સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામ સ્થિત સેવા દાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર આશ્રમ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શન અને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા. અષાઢી બીજ નિમિત્તે પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુની ઉપસ્થિતિમાં રામદેવજી બાપાની મૂર્તિ પૂજન, ધ્વજારોહણ, બટુક ભોજન, સત્સંગ, ભજન-કીર્તન તથા અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે સંતવાણીના કાર્યક્રમમાં સંતો અને ભજનિકોએ ભક્તિરસની સરવાણી વહાવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો.
આ મહોત્સવમાં પોરબંદરના પૂર્વ સાંસદ તેમજ પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રમેશ ધડુક ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સેવા દાસ બાપા આશ્રમના પ્રસાદ ગૃહમાં ભક્તોને પોતાના હાથે પ્રસાદ પીરસીને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત તેઓ પ્રસાદ બનાવવાની કામગીરીમાં પણ જોડાયેલા જોવા મળ્યા હતા, જેના દૃશ્યો ઉપસ્થિત ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ફલ્લા ગામે વાછરાડાડાનાં મંદિરે અષાઢી બીજની ઉજવણી
જામનગર તાલુકાના ફ્લ્લા ગામે આવેલ શ્રી વાછરાડાડાના સ્થાપકે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. ડાડાને કસુંબો ધરાવવામાં આવ્યો હતો ગ્રામજનોએ વાછરાડાડાને શ્રીફળ,ધજા તથા નૈવેધ ધરાવ્યા હતા.
બોટાદમાં ભગવાન જગન્નાથની નગરચર્ચા
બોટાદમાં આજે 29 મી જગન્નાથ રથયાત્રા નીકળેલ હતી બોટાદમાં આવેલ જગન્નાથ મંદિર પાસેથી રથયાત્રા કાઢવામાં આવેલ જે બોટાદના રાજમાર્ગો પર ફરેલ જેવા કે પજવાણી કાટો, એસટી ડેપો હવેલી ચોક, મસ્તરામ મંદિર,ટાવર રોડ, નાગલપુર નો દરવાજો વગેરે જગ્યાએ આ રથયાત્રા નીકળેલ.
માળીયાહાટીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ઉજવણી
દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયા હાટીના માં સમસ્ત કોળી સમાજ દ્વારા અષાઢી બીજ ની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પાસે કોળી સમાજની મુખ્ય સોસાયટી પુના. પરામાંથી બેન્ડ પાર્ટી સાથે વાજતે ગાજતે રામદેવપીર બાપાની વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈને નદીના સામા કાંઠે રામદેવપીર બાપાના મંદિરે જઈ મંદિર ઉપર ધજા ચડાવી હતી. આ શોભાયાત્રામાં કોળી સમાજના ભાઈઓ બહેનો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને રામાપીર મંદિરે મહા આરતીનો લાભ લીધો હતો.
સુત્રાપાડાના કણજોતર ગામે હિંગળાજ માતાજી મંદિરે ધ્વજારોહણ અને રથયાત્રા
સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામે અષાઢી બીજના પાવન અવસરે હિંગળાજ માતાજીના મંદિરે ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે યોજાયા હતા. વાળા પરિવાર તથા સમસ્ત ગ્રામજનોએ ગામમાં ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી કાર્યક્રમમાં સહભાગી બની મહાપ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત માતાજીના મંદિરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજારોહણથી કરવામાં આવી હતી. ત્યારબાદ અબીલ-ગુલાલની છોળો, જયઘોષ અને ડીજેના તાલ સાથે માતાજીની ભવ્ય રથયાત્રા સમગ્ર ગામમાં પરિભ્રમણ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ કળશ અને ધ્વજ યાત્રામાં જોડાઈ માતાજીના જયકારાથી સમગ્ર ગામને ભક્તિમય બનાવી દીધું હતું. રથયાત્રા પૂર્ણ થયા બાદ આયોજન કરાયેલા મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં ભક્તિ, એકતા અને ધાર્મિક આસ્થાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું.
સ્વામીનારાયણ ગુરૂકુલ દ્રોણેશ્વરમાં રથયાત્રા
અષાઢી બીજના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર (તલદા) ખાતે શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. આસપાસના ગામો તેમજ શહેરોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ ઉપસ્થિત રહી રથયાત્રામાં સહભાગી બની પુણ્યનો લાભ લીધો હતો.
રથયાત્રાનો પ્રારંભ તીર્થધામના મુખ્ય આરાધ્ય દેવ શ્રી દ્રોણેશ્વર મહાદેવના પવિત્ર સાન્નિધ્યમાંથી કરવામાં આવ્યો હતો. ભજન-કીર્તન અને જયઘોષ વચ્ચે રથ શ્રી રામ-શ્યામ-ઘનશ્યામ મહારાજના મંદિરે પહોંચ્યો હતો. યાત્રા દરમિયાન ભાવિકોને સરબત, કચ્છની પવિત્ર ખારેક તથા અન્ય પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરિનામ સંકીર્તન, રાસનૃત્ય અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર પરિસર આનંદ અને આધ્યાત્મિક ઊર્જાથી છલકાઈ ઊઠ્યું હતું.
તાલાળામાં કુંભાણીપરા યુવક મંડળ દ્વારા અષાઢી બીજ ઉજવાઇ
તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપર આવેલ કુંભાણીપરા વિસ્તારમાં માનવ સેવા કાર્યથી ધમધમતા યુવક મંડળ દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે અષાઢી બીજ ની ગૌસેવા સાથે ઉજવણી કરી હતી.આ પ્રસંગે યોગેશભાઈ કુંભાણી ની રાહબરી હેઠળ મંડળના યુવાનો દ્વારા ઘરે ઘરે ફરી 15 મણ ઘઉં એકત્ર કર્યા હતા ત્યારબાદ સાત મણ ગોળ અને સાત ડબ્બા તેલ માંથી લાડું બનાવવામાં આવ્યા હતાં.આ લાડું તાલાલા શહેરની વિવિધ શેરી મહોલ્લામાં ફરી ગૌ માતા તથા શ્વાનને લાડુનું ભોજન કરાવ્યું હતું. અષાઢી બીજ ની ઉજવણી પ્રસંગે યોજાયેલ ત્રણ દિવસના સેવાકીય કાર્યમાં મંડળના યુવાનો સાથે સેવાભાવી લોકો પણ જોડાયા હતા.મંડળની ગૌમાતા અને શ્વાનને લાડુ નું ભોજન કરાવવાનાં કાર્યની લોકોમાં સરાહના થઈ રહી છે.
દીવમાં વણાંકબારા સમસ્ત ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિતે શોભાયાત્રા અને ધજા આરોહણ કાર્યક્રમ ઉજવાયો
અષાઢી બીજની શાનદાર ઉજવણી ભાગરૂપે શ્રી વણાંકબારા સમસ્ત ખારવા સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને શ્રધ્ધાપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનના કલગી અવતાર શ્રી રામદેવજી મહારાજની ખૂબ જ સરસ શોભાયાત્રા નિકળી જે ગામના મુખ્ય માર્ગોમાં ફરી હતી. ત્યારબાદ મંદિરમાં પૂજા-અર્ચના, આરતી અને શ્રી રામદેવજી મહારાજની ધજા વણાકબારા સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી દિનેશભાઈ પાંજણી દ્વારા ચઢાવવામાં આવી ત્યારબાદ મહાપ્રસાદ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના ઉપપ્રમુખ મુકેશભાઈ લોઢરી, પંચ અધ્યક્ષ કિર્તીભાઈ ગોહીલ, મંત્રી સુભાષભાઈ કોરિયા સહમંત્રી સંજય હરી તેમજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોટડા સાંગાણીમાં અષાઢી બીજ નિમિતે શોભાયાત્રા
અષાઢી બીજના પવિત્ર અવસરે કોટડાસાંગાણી શહેરમાં ભક્તિભાવપૂર્ણ માહોલમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ શોભાયાત્રાનું પ્રસ્થાન ખોડીયાર મંદિરથી કરવામાં આવ્યું હતું. જે શેડ રોડ, ગોદરા વિસ્તાર, શરીફ ચોક, સરદાર ચોક, ભાડવા રોડ, બહાર પરા વિસ્તાર તેમજ મુખ્ય બજારના વિવિધ માર્ગો પર ફરી હતી. નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રા અંતે ફરી ખોડીયાર મંદિરે પહોંચી હતી, જ્યાં તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
સારંગપુર ઇઅઙજ મંદિરમાં રથયાત્રા મહોત્સવની ભવ્ય ઉજવણી ભક્તો ઉમટી પડ્યા
બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સારંગપુર સ્થિત ઇઅઙજ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ’રથયાત્રા’ નો ભવ્ય ઉત્સવ અત્યંત હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભક્તિ અને શ્રદ્ધાના આ મહાપર્વમાં 400 કરતાં વધુ સંતો અને દેશ-વિદેશમાંથી પધારેલા હજારો હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ દર્શનનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કર્યો હતો. આજના આ ઉત્સવમાં ભગવાનના રથનું નિર્માણ અને શણગાર હૂબહૂ પરંપરાગત ’જગન્નાથ પુરી’ માં વપરાતા રથના આકાર જેવો જ કરવામાં આવ્યો હતો. સારંગપુર મંદિરના વિશાળ અને સુંદર પરિસરમાં સંતો અને ભક્તો દ્વારા ભગવાનના આ દિવ્ય રથને ખેંચીને એક ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. ગગનભેદી જયનાદ, કીર્તન-ભક્તિ અને ભગવા વસ્ત્રોમાં સજ્જ સેંકડો સંતોની એકસાથે ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને અત્યંત ભક્તિમય અને દિવ્ય બનાવી દીધું હતું.
જામનગરના સ્વામિનારાયણ મંદિરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરાઈ
જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રથયાત્રા ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી આજે કરવામાં આવી હતી જામનગર સ્થિત મંદિરમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રા નિમિત્તે ભવ્ય અને ભાવભર્યો ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ પાવન અવસરે સંતોના પાવન સાનિધ્યમાં હરિભક્તો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લઈ ભગવાનના દર્શન, પૂજન, આરતી અને રથયાત્રાનો દિવ્ય લાભ લીધો. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે સંતોએ ભગવાન જગન્નાથજીના , રથયાત્રાનું આધ્યાત્મિક મહત્ત્વ અને સત્સંગના મૂલ્યો અંગે પ્રેરણાદાયી આશીર્વચનો આપ્યા. હરિભક્તોએ ભજન-કીર્તન, ધૂન અને પ્રાર્થના દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
ગઢડામાં જય રણછોડના નારા સાથે રથયાત્રા નીકળી
ગઢડા(સ્વામીના) શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અને તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર એખલાસપૂર્ણ વાતાવરણ ભારે મેદની વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થયો હતો. ગઢડાની પરંપરાગત 33 મી રથયાત્રાનું બપોરે 2-30 કલાકે સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં પૂજન આરતી અને હાથ વડે રથ ખેંચી પરંપરાગત રૂટ ઉપર પ્રસ્થાન કરાયું હતું. આ રથયાત્રામાં 65 જેટલા વાહનો અને 52 જેટલા આકર્ષક ફ્લોટ્સ સાથે 7 જેટલા ડી.જે બેન્ડ અને જુદી જુદી ઇવેન્ટના આકર્ષણ વચ્ચે લોકોએ આસ્થાપૂર્વક રથયાત્રાના દર્શન કર્યા હતા. ખાસ કરીને છત્રપતિ સંભાજી, સમુદ્ર મંથન, શિવ તાંડવ સ્તોત્રમ, લક્ષ્મણ મૂર્છા સંજીવની, શીતળા માતા, આહારનો આશરો, ભારતના મહાન રત્નો, જંકફુડ પેકેટ ફૂડ જાગૃતિ, સોશિયલ મીડિયા જાગૃતિ જેવા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ રથયાત્રા દરમિયાન સમગ્ર પંથકમાંથી લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.
કોડીનાર તાલુકા ના વેળવા ગામે અષાઢી બીજ નિમિતે ઉજવણી
ડોળાસા નજીક ના વેળવા ગામે અષાઢી બીજ નિમિતે રામાપીર નો ધૂપેડો ફેરવવા માં આવ્યો હતો. વેળવા ગામે આગામી ચૈત્ર માસ માં રામાપીર નો મંડપ યોજાનાર છે. આ પૂર્વે ગામ સમસ્ત દરેક બીજ ઉજવવામાં આવે છે. આજે અષાઢી બીજ નિમિતે રામાપીબાપા નો ધૂપેડો ગામ ના મુખ્ય માર્ગો. ઉપરથી પસાર થયો હતો. ઉષ ના તાલે ગામના યુવાન ભાઇ બહેનો ઉત્સાહ થી નાચ્યાં હતા.આવતા ચૈત્ર સુદ પૂનમ ના દિવસે વેળવા ગામ સમસ્ત મંડપ યોજાનાર છે.
ધોરાજી નજીક મજેવડી દેવતણખીધામમાં યોજાયેલ રથયાત્રામાં ભાવિકો ઉમટી પડ્યા રાસ મંડળીએ ભક્તોને ભજન-ગરબામાં તરબોળ કર્યો
ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ દેવતણખી ધામ મજેવડી ખાત અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો જેમાં બે દિવસથી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
મજેવડી દેવતણખી ધામ ખાતે લુહાર સમાજના કુલભૂષણ સંત દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલબાઈ એ જીવતા સમાધિ અષાઢી બીજ ના દિવસે લીધેલી હતી ત્યારથી ચેતન સમાધિ ખાતે સમગ્ર દેશમાં થી હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવી રહ્યા છે ત્યારે અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે દેવતણખી ધામ ચેતન સમાધિ મંદિર ખાતેથી વિશાળ 115 મી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રા નો પ્રારંભ કરવામાં આવેલ રથયાત્રામાં દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ , ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા ટ્રસ્ટી વલ્લભભાઈ પરમાર સુરત. ઉદ્યોગપતિ અને ભામાશા પરસોત્તમભાઈ (દાસકાકા) પિત્રોડા અમદાવાદ. શામજીભાઈ કવા જૂનાગઢ દાતા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મંત્રી રમેશભાઈ કારેલીયા ટ્રસ્ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળાવાળા પ્રવીણભાઈ કારેલીયા મજેવડી દેવતણખી ધામ મંદિરના પૂજારી શાસ્ત્રી વિઠ્ઠલ ભગત નાથાભાઈ પિત્રોડા અમદાવાદ જગદીશભાઈ આસોડિયા વિગેરે સમાજના શ્રેષ્ઠીઓ તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા મજેવડીના સરપંચ તેમજ શહેરના આગેવાનો તેમજ જૂનાગઢ જિલ્લાના આગેવાનો રથયાત્રામાં જોડાયા હતા.
