ભાણવડમાં બુટલેગરના મકાનમાં પોલીસનો દરોડો : 3 કિલો ગાંજો, 91 બોટલ દારૂ ઝડપાયો

પોલીસે રૂ. 1.52 લાખના મુુદામાલ સાથે નશાના સોદાગરની ધરપકડ કરી : સપ્લાયરની શોધખોેળ આદરી

ભાણવડમાં પોલીસે બુટલેગરના મકાનમાં દરોડો પાડી 91 બોટલ દારૂ અને 3 કિલો ગાંજો મળી રૂ. 1.52 લાખના મુદામાલ સાથે પોલીસે નશાના સોદાગરની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સપ્લાયરનું નામ ખુલતા પોલીસે સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા અને ડી.એ. વાળાની ટીમ દ્વારા ભાણવડ વિસ્તારમાં હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હુસેની ચોક વિસ્તારમાં રહેતા રિઝવાન ઈસુબભાઈ અયુબભાઈ બ્લોચ નામના 20 વર્ષના મકરાણી યુવાનને એસ.ઓ.જી. પોલીસે તેના રહેણાંક મકાનમાંથી રૂ. 152,800 ની કિંમતના 3.056 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ ગાંજો તેણે વિસનગરના રહીશ તાજમહંમદ જાનમહંમદ ફકીર નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ તેની અટકાયત કરી, તાજમહંમદ ફકીરને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે એસ.ઓ.જી. પોલીસ ની કાર્યવાહીમાં આરોપી રિઝવાન ઈસુબભાઈ બ્લોચના રહેણાંક મકાનમાંથી ચેકીંગ દરમિયાન પોલીસને રૂપિયા 34,857 ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી કુલ 91 બોટલ મળી આવી હતી. આ દારૂ તેણે પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ખાતે રહેતા ચના રબારી નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું જાહેર થયું છે. આ ઉપરાંત તેના કબજા માંથી રૂ. 330 ની કિંમતના 22 નંગ ગોગો પેપર પણ મળી આવ્યા હતા. જે અંગે ભાણવડ પોલીસે પ્રોહિબિશન એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ