પરબધામનો અષાઢી બીજનો ભાતીગળ મેળો સંપન્ન 8 લાખથી વધુ ભાવિકોને પ્રસાદ પીરસાયો


ઉર્જા રાજ્યમંત્રીએ રોટલી બનાવી ભાવિકોને ભોજન પીરસ્યું

સૌરાષ્ટ્રના સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ ભેસાણનાં પરબધામ ખાતેનો અષાઢી બીજનો મેળો આ વર્ષે પણ ભારે જમાવટ સાથે મોડી રાત્રે સંપન્ન થયો હતો. બે દિવસીય આ મેળા દરમિયાન લાખો ભાવિકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા અને બે દિવસ દરમિયાન 8 લાખ જેટલા ભાવિકોને પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
ભક્તિ અને સેવાની આગવી પરંપરા અને ઇતિહાસ ધરાવતા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબધામ ખાતે વિવિધ સમાજના અને ધર્મના લોકો માટે દર વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરાગત ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, અને બે દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુ, ભાવિકો શ્રદ્ધાપૂર્વક દર્શન અને મહાપ્રસાદની સાથોસાથ મેળા અને ભજનની મોજ માણે છે. એક એવી પણ માન્યતા છે કે, પરબધામમાં જીવતી સમાધિ લેવાઈ હતી ત્યારે અષાઢી બીજના દિવસે નવ નાથ, ચોર્યાસી સિદ્ધ સપ્તર્ષિઓ અને બાવનવીર પધાર્યા હતા અને ત્યારે આ પવિત્ર ભૂમિ પર દર અષાઢી બીજે આવવાનું વચન આપ્યું હતું. આ લોક માન્યતાને કારણે પણ લાખો શ્રદ્ધાળુઓ મેળામાં ભાગ લે છે.
સત દેવીદાસ બાપુ અને અમરમાના માનવ સેવા કાર્ય માટે જાણીતા એવા પરબધામ ખાતે અષાઢી બીજના બે દિવસીય મેળા દરમિયાન રાત્રિના ભજન, લોક ડાયરાની જમાવટ સાથે વિવિધ ચકડોળ, રાઇડ્સ તથા વિવિધ વેચાણના સ્ટોલથી મેળો ભારે જમાવટ કરે છે, આ સાથે આ મેળો ધાર્મિકતા સાથે સંકળાયેલો હોવાથી, મહા આરતી સહિતના ધાર્મિક આયોજનો અને મેળામાં આવતા ભાવિકો માટે અવિરત ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.

ઉર્જા રાજ્ય મંત્રીએ રોટલી બનાવી
પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી બન્યા હતા. અને મહાઆરતીમાં ભાગ લઈ સંત શ્રી દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોના સમાધિ સ્થાનકોએ શીશ નમાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ સાથ અવિરત સદાવ્રત માટે જાણીતા પરબધામ ખાતે ભોજન સેવાનું અનેરું મહત્વ છે. ઊર્જા રાજ્ય મંત્રીએ રસોડામાં જઈ સ્વયંસેવકો સાથે રોટલી વણી અને શેકી હતી બાદમાં ભોજન સેવામાં જોડાઈને એક સ્વયંસેવકની જેમ શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક પ્રસાદ પીરસ્યો હતો. રાજ્યમંત્રી એ આ મુલાકાત દરમિયાન કરશનદાસ બાપુ, મુક્તાનંદ બાપુ અને શેરનાથ બાપુના પણ આશીર્વાદ મેળવ્યા હતા. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ મહોત્સવમાં સહભાગી બન્યા હતા.

રિલેટેડ ન્યૂઝ