1.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ભાવનગર એલ.સી.બી. પોલીસે મહુવા ટાઉન વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે બે મહિલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહી હતી. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, મોબાઈલ અને બાઈક સહિત કુલ રૂપિયા 1,66,900/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો પોલીસ સ્ટાફ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહુવાના લાતીબજાર વાધરકુવા પાસે જાહેર રોડ ઉપર અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપાનાના પત્તા તથા રોકડ રકમ વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તુરંત જ લાતીબજાર વાધરકુવા પાસે રેઇડ કરી હતી. પોલીસના દરોડા દરમિયાન સ્થળ પર તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પકડાયેલા આરોપીઓમાં અનીલભાઇ ગોબરભાઇ સોલંકી (ઉ.વ.27, રહે. ગાધકડા બજાર, મહુવા), ગોપાલભાઇ ગોવિંદભાઇ વાળા (ઉ.વ.45, રહે. સુથાર શેરી, ભવાની રોડ, મહુવા), લલીતભાઇ માવજીભાઇ ભીલ (ઉ.વ.31, રહે. લાતીબજાર, મહુવા), બળદેવભાઇ મનુભાઇ પટેલ (ઉ.વ.32, રહે. પીપળા શેરી, લાતીબજાર, મહુવા), મુસ્તાકભાઇ દાદુભાઇ દલ (ઉ.વ.40, રહે. નુતનનગર, પેવેલીયન નજીક, મહુવા), ધર્મેશભાઇ પુનાભાઇ વાળા (ઉ.વ.32, રહે. વાધરકુવા રોડ, મહુવા) અને પૃથ્વીભાઇ દેવજીભાઇ બારૈયા (ઉ.વ.20, રહે. લાતીબજાર, વાધરકુવા, મહુવા) નો સમાવેશ થાય છે. જ્યારે આ જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય બે મહિલા આરોપીઓ મનીષાબેન ઉર્ફે મનીબેન રમેશભાઇ બારૈયા (રે. શાસ્ત્રીનગર વસાહત, મહુવા) અને જયાબેન ભરતભાઇ મકવાણા (રે. શાસ્ત્રી વસાહત, મહુવા) પોલીસને જોઈ નાસી છૂટ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી ગંજીપત્તાના 52 પાના, રોકડા રૂપિયા 36,400/-, રૂપિયા 30,500/- ની કિંમતના 3 નંગ મોબાઇલ ફોન તેમજ રૂપિયા 1,00,000/- ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,66,900/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. વાઢેર, વી.સી. જાડેજા, પી.ડી. ઝાલા તથા સ્ટાફના દિલુભાઇ આહિર, અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, શૈલેષભાઇ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા અને વિજયભાઇ બારૈયા દ્વારા કરવામાં આવી હતી.
