જામનગરમાં પેપરલીક કૌભાંડ, વિદ્યાર્થી પર લાઠીચાર્જનો કોંગ્રેસ દ્વારા વિરોધ

કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માગ સાથે સુત્રોચાર

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા પેપર લીક કૌભાંડ તેમજ દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સવારે ટાઉનહોલ સર્કલ નજીક જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ના રાજીનામા ની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલા વિરોધ દરમિયાન કાર્યકરો હાથમાં “લાઠી નહીં, સંવાદ જોઈએ” તેમજ પેપર લીક વિરોધી બેનરો અને પોસ્ટરો સાથે ટાઉનહોલ સર્કલ ખાતે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ કાર્યક્રમમાં જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયતમાં લેવાયેલા તમામને પ્રથમ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસના આગેવાઓએ જણાવ્યું હતું કે પેપર લીક જેવી ઘટનાઓને કારણે લાખો યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાના બદલે તેમના પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે પેપર લીક કૌભાંડમાં જવાબદારી નક્કી કરી કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારવાની તથા વિદ્યાર્થીઓ સાથે સંવાદ દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ