પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી
કલ્યાણપુરના નંદાણા ગામ નજીક બેફામ આવતી કારે છકડો રીક્ષાને ઠોકરે લેતા રીક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં છકડો રીક્ષાના ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ સોનગરા નામના સતવારા યુવાન સોમવારે તેમના છકડા રીક્ષા નંબર જી.જે. 37 યુ. 1057 માં અન્ય મુસાફરો હીરાબેન જયંતીભાઈ ડાભી, મણીબેન ભાણજીભાઈ ડાભી અને ક્રિષાબેન જયંતીભાઈ ડાભીને લઈને ભાટીયા ગામે જવા નીકળ્યા હતા. ત્યારે ખંભાળિયા – દ્વારકા હાઈવે પર નંદાણા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 18 ઈ.બી. 7765 નંબરની એક ક્રેટા મોટરકારના ચાલકે છકડા રીક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં છકડા રીક્ષો પલટી ખાઈ ગયો હતો. જેના કારણે રીક્ષા ચાલક ભરતભાઈ સોનગરાનું ગંભીર ઈજાઓ થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં જઈ રહેલા મણીબેન ભાણજીભાઈ, હીરાબેન જયંતીભાઈ અને ક્રિષાબેન જયંતીભાઈ ડાભીને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જુવાનપુર ગામના રહીશ સતવારા હેમતભાઈ સોનગરા (ઉ.વ. 37) ની ફરિયાદ પરથી ક્રેટા કારના ચાલક સામે બીએનએસ અને એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એન.એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.
