સુરેન્દ્રનગરમાં પોલીસ જવાનના ઘરમાં ચાલતા શેર ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ કરતી રેન્જ સ્કવોડ

આ કેસની તપાસ રાજકોટ એસપીને સોંપાઇ
સુરેન્દ્રનગરમાં પોલીસ જવાનના ઘરમાં ચાલતુ ડબ્બા ટ્રેડીંગ રાજકોટ રેન્જની ટીમે ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. રેન્જ આઇ.જી નિર્લીપ્ત રાયે આ કેસની તપાસ રાજકોટ એસ.પી. વિજયસિંહના વડપણ હેઠળ કરવાનો હુકમ કરતા આ કેસની તપાસ પી.આઇ. એ.ડી. પરમારને સોંપવામાં આવી છે.

10 લેપટોપ સહીત 3 લાખના મુદામાલ સાથે છ ઝડપાયા: 23 સામે ગુનો નોંધાયો

સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીના ઘરે પિતા પુત્ર સંચાલિત શેરડબ્બા ટ્રેડીંગ ઉપર રાજકોટ રેન્જ પોલીસ ટીમે દરોડો પાડી ગેરકાયદેસર રીતે ચાલતા શેરસટ્ટા અને જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ સટ્ટાકાંડ જોરાવરનગરના રામેશ્ર્વર ટાઉનશીપમાં આવેલા એક પોલીસ કર્મચારી ફરાર થઇ ગયા હતા, તેના મકાન માંથી પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે પોલીસ કર્મચારી તથા 16 શેરબ્રોકરો સહિત એકંદર 23 ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાના આધારે રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફે બાતમી આધારે જોરાવરનગર વિસ્તારના રતનપર રામેશ્ર્વર ટાઉનશીપ, શેરી નં.4, મકાન નં.51-52 પર દરોડો પાડ્યો હતો.
આ મકાનની માલિકી અને કબ્જો નાથુભા કાનાભા રાઠોડ તથા તેમના પુત્ર અને પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ ધરાવતા હતા. તેઓ પોતાના સાગરીતો મારફતે ગ્રાહકો ઉભા કરી, શેરબજારના ભાવો પર હાર-જીતનો જુગાર રમાડતા હતા અને મેળવેલા સોદાઓની કપાત અલગ-અલગ 16 બ્રોકરો પાસે કરાવતા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી 6 આરોપીઓની અટકાયત કરી હતી જેમાં પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહના પિતા નાથુભા કાનાભા રાઠોડ દિવ્યરાજસિંહ વનરાજસિંહ ચુડાસમા (રહે. સંજીવની સોસાયટી, રતનપર) , વિપુલભાઈ કરશનભાઈ સિંધવ (રહે. મેમકા, વઢવાણ) , અરૂૂણભાઈ મહેન્દ્રભાઈ કોઠારી (રહે. રતનપર શેરી નં.06) , દલસુખભાઈ કરશનભાઈ સિંધવ (રહે. મેમકા, વઢવાણ) , વિજયભાઈ ગોવિંદભાઈ દેત્રોજા (રહે. દેવનંદન સોસાયટી, રતનપર) ની ધરપકડ કરી હતી. દરોડામાં સંજયસિંહ નાથુભાઈ રાઠોડ તથા કપાત કરનાર 16 બ્રોકરો જતીન, લાલો, નિતેશ, એમએનટી અજય, ડી.આર, સીસી , આકાશ, આકાશ, ચિરાગ, કે.પી, સુરેશ, સની, મિતલ, સ્વેતાંશુ અને પ્રશાંત સહિત કુલ 23 આરોપીઓના નામ ખુલ્યા હતા તમામ 23 વિરુદ્ધ જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 10 લેપટોપ,29 મોબાઈલ ફોન, 4 પેનડ્રાઈવ, નોટબુક, રોકડ રકમ, વાઈ-ફાઈ રોઉટર કબજે કર્યું હતું.આ દરોડા બાદ હવે સ્થાનિક પોલીસ સામે અગામી દિવસોમાં પગલા લેવાઈ શકે છે, રાજકોટ રેન્જ પોલીસ ટીમે આગળની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ