બુંટલેગરો ફરાર : પોલીસે દારૂ, ટ્રક સહિતનો મુદામાલ કબ્જે કર્યો
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં પોલીસે પાડેલા દરોડામાં 9,024 બોટલ વિદેશી દારૂ, 18,000 નંગ ચપલા તેમજ ટ્રેક્ટર, ટ્રોલી અને ક્ધટેનર સહિત કુલ રૂ. 1,30,55,548નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર પ્રકરણમાં છ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જ્યારે તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાલપુર પોલીસ સ્ટાફ ને મળેલ બાતમી મુજબ, તા. 4 ઓગસ્ટ, 2026 ના રોજ બપોરે લાલપુર તાલુકા ના આરબલુસ ગામ ની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં વેચાણના હેતુસર સંતાડી રાખવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 9,024 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 69,55,548), 18,000 નંગ ચપલા, (કિંમત રૂ. 36 લાખ), ટ્રેક્ટર, ટ્રોલી તથા ક્ધટેનર ટ્રક સહિત કુલ રૂ. 1.30 કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ગુનામાં હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશભાઈ જેઠાભાઈ પરમાર, દશરથસિંહ વનરાજસિંહ જાડેજા, ટ્રેક્ટરના ચાલક-માલિક, ક્ધટેનરના ચાલક-માલિક તેમજ સ્થળ પરથી નાસી ગયેલી કાળા રંગની સ્પોર્ટ્સ યુટિલિટી વાહન (એસયુવી)ના ચાલક-માલિક સહિત તપાસમાં ખુલાસો થાય તે તમામને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ એ ગુજરાત બહાર થી વિદેશી દારૂનો જથ્થો મંગાવી કનકસિંહ ની વાડીમાં સંગ્રહ કર્યો હોવાનું તેમજ એકબીજાની મદદગારી અને ષડયંત્ર રચી ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે.
લાલપુર પોલીસે ગુનો નોંધી તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા તેમજ દારૂના જથ્થાનો સ્ત્રોત શોધવા વધુ તપાસ હાથ ધરી છે.
