તાલાલા (ગીર) ગ્રામ્ય પંથકના પ્રાણ પ્રશ્ર્નોનું નિવારણ લાવવા માંગ

મહેસુલી કાર્યવાહી ઝડપી બનાવવા સંકલન સમિતિ બનાવવી જરૂરી: તાલુકા પંચાયત પ્રમુખે લોક પ્રશ્ર્નો રજૂ કર્યા

તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે રોજિંદી પ્રક્રિયા માટે અતિ ઉપયોગી પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા તાલુકા પંચાયત પ્રમુખે તાલુકા સંકલન સમિતિ સમક્ષ માંગણી કરી છે.
વેરાવળ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલાલા તાલુકા સંકલન સમિતિની અગત્યની બેઠક મળી હતી.આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા એ દશ લોક પ્રશ્નો રજૂ કરી તેનો હકારાત્મક નિવારણ લાવવા માંગણી કરી હતી… તાલાલા તાલુકામાં લાંબા સમયથી મહેસૂલી તલાટીઓ ગામડે હાજર રહેતા નથી તેવી અનેક ફરિયાદો મળી હોય વર્ષ 2016 માં મહેસુલ વિભાગે સ્પષ્ટ પરિપત્ર કરી રેવન્યુ તલાટીઓને સોમ,મંગળ,બુધ સેજા માં રહેવા,ગુરુવારે મામલતદાર માં મીટીંગ અને શુક્ર,શનિમાં ફિલ્ડ વર્ક કરવા માટે જણાવ્યું હોય… છતાં પણ આ કર્મચારીઓ મામલતદાર કચેરી નો સ્ટાફ છે તેમ કહી ગામડે જતાં નથી આમ છતાં પણ મામલતદાર ગામડે જવાની સુચના આપતા નથી…આટલું ઓછુ હોય તેમ પંચાયત મંત્રીઓ મહેસુલી કામગીરી બંધ કરી હડતાલ ઉપર હોય તે ધ્યાને લઈ કલેકટરે વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે મહેસૂલી તલાટીઓનો હુકમ કરેલા છે… કલેકટરની આ સુચના ની પણ મહેસુલી તલાટીઓ અમલવારી કરતાં નથી…મહેસુલી તલાટી મંત્રીઓ અરજદારોને તાલાલા મામલતદાર કચેરીએ બોલાવી હેરાન કરવામાં આવે છે…આ અંગે તપાસ કરી તુરંત ઘટતું કરવા માંગણી કરી છે. આ ઉપરાંત કલેકટરે મહેસૂલી તલાટીઓને ડિઝાસ્ટર બાબતે હેડ ક્વાર્ટરમાં રહી વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અધ્યતન કરી સરપંચો સાથે સંકલનમાં રહેવા સુચના આપેલ છે તેની પણ મહેસૂલી તલાટીઓ અમલવારી કરતા નથી તેવી તાલુકાના સરપંચોની રજુઆતોની તુરંત તપાસ કરવી જોઈએ…ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને રોજીંદી કામગીરીમાં પડતી મુશ્કેલી દૂર કરવા તમાંમ મહેસૂલી રેકર્ડ મામલતદાર કચેરીમાં જમા લઈ અરજદારોની મુશ્કેલીનો કાયમી અંત લાવવા તાલુકા પંચાયત પ્રમુખે સંકલન સમિતિમાં માંગણી કરી છે…તાલાલા તાલુકાનાં 16 ગામોમાં વન વિભાગમાંથી જે ગામતળ મંજૂર થયા છે તેનાં નવા રિવાઈઝ વિકાસ પ્લાન ને તુરંત મંજૂરી આપી ગરીબ પરિવારોને વહેલી તકે 100 ચો.વાર નાં પ્લોટ આપવા તથા તાલાલા તાલુકાનાં મિલકત કાર્ડથી વંચિત તમાંમ ગામના મિલકત ધારકોને તેમની મિલકત કાર્ડ આપવા અને મહેસુલી ગામડાના ગ્રામ્ય વિસ્તારના અને વાડી વિસ્તારના તેમજ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓની મરામત કરવા માટી મોરમ ની મંજુરી આપવા… જન્મ-મરણના દાખલાઓની એપ્રુવલ ની કામગીરી ઝડપી બનાવી ગ્રામ્ય કક્ષાએ અધિકારો આપવા… વિવિધ સહાય, જાતિના દાખલા,ક્રિમીલીયર અને પેઢીનામા માં સોગંદનામાં ની જગ્યાએ સ્વઘોષણાપત્રની અમલવારી કરવા અને કાયદાકીય બાબતોમાં સોગંદનામાં ની જરૂરીયાતો હોય ત્યારે લોકોને પૈસા બચે એ માટે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં એક પિટીશન રાઈટરની નિમણૂંક કરવા વિગેરે પ્રજા ઉપયોગી દશ પ્રાણપ્રશ્નો સંકલન સમિતિમાં રજુ કરી તાલાલા પંથકના 45 ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને યોગ્ય આપવા તુરંત હકારાત્મક નિવારણ લાવવા વિમલભાઈ વાડોદરિયા એ સંકલન સમિતિમાં માંગણી કરી છે.આ બેઠકમાં તાલાલા પંથકની વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તાલાલા પંથકના મંજૂર થયેલ વિકાસ કામો તુરંત શરૂ કરો
આદિમ જુથ યોજનામાંથી જે ગામોમાં વિકાસના કામો મંજૂર થાય છે.આ કામો અમુક ચોક્કસ એજન્સીઓને લાભ અપાવવા માટે લાંબા સમય સુધી વિકાસના કામો શરૂ થતાં નથી જેથી ગ્રામસભાઓમાં ઘર્ષણ નાં બનાવો બને છે માટે આદિમ જુથ યોજના કે અન્ય કોઈપણ યોજનામાંથી વિકાસની કામગીરી ગ્રામ પંચાયતને બદલે ટેન્ડરીંગ પ્રક્રિયાથી કરવાની થતી હોય તે કામગીરી તુરંત પૂર્ણ કરી વહેલી તકે વિકાસના કામોના ટેન્ડરો બહાર પાડવા પણ તાલુકા પંચાયતના પ્રમુખે માંગણી કરી છે.

રિલેટેડ ન્યૂઝ