ભૂલથી એસીડ પીધાનું નિવેદન : રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત, ક્લાસ-2 અધિકારીના આ પગલાથી ચકચાર
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ડીઆરડીએ વિભાગમાં મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા ક્લાસ-2 અધિકારી સુનિલ ચૌધરી નું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યા સરકારી તંત્રમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ તેમણે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. મામલતદાર સમક્ષ નોંધાયેલા નિવેદનમાં તેમણે ભૂલથી એસિડ પી ગયા હોવાનું જણાવ્યું હોવાની માહિતી સામે આવી છે.
સુનિલ ચૌધરી ની અંદાજે બે માસ પહેલા અબડાસા તાલુકામાં થી ગીર સોમનાથ જિલ્લામાં બદલી થઈ હતી. તેઓ જિલ્લા પંચાયત કચેરીના ડીઆરડીએ વિભાગમાં મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને વેરાવળ ના ડાભોર રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. એસિડ પીધા બાદ તબિયત ગંભીર બની ગત તા.4 સપ્ટેમ્બર ની રાત્રે તેમના નિવાસ સ્થાને એસિડ પીવાની ઘટના બની હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. એસિડ પીધા બાદ તબિયત લથડતાં તેમને તાત્કાલિક વેરાવળ ની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ સ્થિતિ ગંભીર જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુનિલ ચૌધરી નું મૃત્યુ નીપજેલ હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સારવાર દરમિયાન મામલતદાર સમક્ષ તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે, જેમાં તેમણે ભૂલથી એસિડ પી ગયા હોવાનું જણાવ્યું હોવાની માહિતી છે.
સરકારી અધિકારી દ્વારા એસિડ પીવાની ઘટના અને ત્યારબાદ થયેલા મોતને લઈને અનેક સવાલો ઉભા થયા છે. એસિડ કયા સંજોગોમાં પીવામાં આવ્યું હતું અને આ ઘટનાનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.
હાલ રાજકોટ ખાતે થયેલા પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો વેરાવળ પોલીસને મળ્યા બાદ સમગ્ર ઘટનામાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. પોલીસ દ્વારા ઘટનાના વાસ્તવિક કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ ક્લાસ-2 અધિકારીના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થનાર છે.
