મોરને સુરક્ષિત બહાર કાઢી નવજીવન આપ્યું
ખંભાળિયા તાલુકાના વિરમદળ વાળી વિસ્તારમાં મોડી રાત્રે રાષ્ટ્રીય પક્ષી મોર 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. રાત્રિના સમયે અંધારામાં ઊંડા કૂવામાં મોર ફસાઈ ગયો હોવાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી મદદ માંગી હતી.
મોર કૂવામાં પડી ગયાની માહિતી મળતા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ મોરને કોઈ ઈજા ન થાય અને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય તે માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
આ કૂવો અંદાજે 60 ફૂટ જેટલો ઊંડો હોવાથી રેસ્ક્યુ કામગીરી અત્યંત પડકારજનક બની હતી. ખાસ કરીને મોડી રાત્રે અંધારામાં ઊંડા કૂવામાં ઉતરીને મોરને બહાર કાઢવાનું કામ જોખમી હતું. તેમ છતાં એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો રવિ વકાતર, સાગર ગઢવી અને દેશુર ધમા દ્વારા ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
લાંબી જહેમત અને તકેદારી બાદ આખરે મોરને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. મોરને બહાર કાઢતાં જ ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યુ બાદ મોરની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સંભાળ લઈને નવજીવન અપાયું હતું.
