ઉમેજથી સનખડા ગામ સુધી રાવલ નદી પર 3 થી 4 મોટા ચેકડેમ બનાવવાની માંગ: બાગાયતી ખેતી અને ભુગર્ભ જળ બચાવવા ખેડુતો મેદાને
ઉના તાલુકામાં ચોમાસા દરમિયાન નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થાય છે, પરંતુ પાણીના યોગ્ય સંગ્રહની વ્યવસ્થા નહીં હોવાના કારણે વરસાદી પાણીનો મોટો જથ્થો દરિયામાં વહી જતો હોવાની સ્થિતિ સામે આવી રહી છે. ખાસ કરીને સામતેર પંથકમાંથી પસાર થતી રાવલ નદી પર ચેકડેમના અભાવને કારણે ચોમાસાનું લાખો ગેલન મીઠું પાણી વેડફાઈને દરિયામાં જતું રહે છે, જેને લઈને નદી કાંઠા ના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે એક તરફ વરસાદી પાણીના સંગ્રહ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ચેકડેમ, તળાવો અને જળસંચયના કામો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ઉમેજથી સનખડા સુધીના રાવલ નદીના વિશાળ પટ્ટામાં પાણી રોકી શકાય તેવી પૂરતી વ્યવસ્થા ન હોવાથી કુદરતે આપેલું અમૂલ્ય પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીનો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો આસપાસના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળી શકે તેમ છે.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ ઉમેજથી સનખડા સુધી રાવલ નદીનો લાંબો પટ્ટો આવેલો છે. નદીના વહેણ અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થળોની પસંદગી કરી 3થી 4 મોટા ચેકડેમ બનાવવામાં આવે તો ચોમાસા દરમિયાન આવતું પાણી લાંબા સમય સુધી રોકી શકાય.હાલ વરસાદ પડે ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બને છે અને પાણીનો મોટો જથ્થો કોઈપણ પ્રકારના મોટા સંગ્રહ વિના દરિયા તરફ આગળ વધે છે. જો આ પાણી નદીના પટમાં ચેકડેમ દ્વારારોકવામાં આવે તો તેનો લાભ માત્ર ચોમાસા પૂરતો નહીંપરંતુ ત્યારબાદના મહિનાઓમાં પણ ખેડૂતોને મળી શકે તેમ છે.
રાવલ નદીના કાંઠાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતો બાગાયતી ખેતી સાથે જોડાયેલા છે. ખાસ કરીને કેસર કેરીના આંબાના બગીચાઓ આ વિસ્તારમાં ખેડૂતોની આવકનો મહત્વનો આધાર છે.બાગાયતી પાક માટે નિયમિત પાણીની જરૂરિયાત રહેતી હોવાથી ભૂગર્ભ જળસ્તર અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા ખેડૂતો માટે અત્યંત મહત્વની છે. ચેકડેમ દ્વારા વરસાદી પાણી નો સંગ્રહ થાય તો આસપાસના કુવા અને બોરનાપાણી સ્તરમાં વધારો થવાની શક્યતા રહે છે. પરિણામે ખેડૂતો ને ઉનાળાની ઋતુમાં પણ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થઈ શકે છે.
રાવલ નદીનું પાણી રોકવાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ અંગે પણ ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વરસાદી પાણીનો સંગ્રહ ન થવાથી ભૂગર્ભ જળસ્તરજાળવવામાં મુશ્કેલી પડે છે અને દરિયાઈ વિસ્તાર નજીકના વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ખારાશ વધવાનો ખતરો રહે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જો ચોમાસાનું મીઠું પાણી નદીના પટમાં રોકી તેનો જળસંચય કરવામાં આવે તો ભૂગર્ભ જળને રિચાર્જ કરવામાં મદદ મળી શકે છે. સાથે જ આસપાસના કુવા અને બોરના પાણીમાં ખારાશ વધતી અટકાવવામાં પણ ચેકડેમ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ખેડૂતોનું કહેવું છે કે પાણી એકવાર દરિયામાં વહી ગયા બાદ તેનો ઉપયોગ શક્ય નથી
પાણી ચેકડેમમાં રોકવામાં આવે તો તે વિસ્તારની ખેતી માટે જીવનદાયી સાબિત થઈ શકે છે. તેથી હવે માત્ર નાના-મોટા તાત્કાલિક કામો નહીં પરંતુ સમગ્ર રાવલ નદીના પટ્ટાનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરી લાંબા ગાળાની જળસંચય યોજના બનાવવાની જરૂરિયાત છે.સ્થળ સર્વે કરી તાકીદે આયોજન કરવાની માંગ ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ અને સંબંધિત તંત્ર સમક્ષ રાવલ નદી ના સમગ્ર પટ્ટાનો સ્થળ સર્વે કરી યોગ્ય સ્થળો નક્કી કરવા અને ઉમેજથી સનખડા સુધી 3થી 4 મોટા ચેક ડેમના આયોજનને મંજૂરી આપવા માંગ ઉઠાવવામાં આવી છે.ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર કામગીરી હાથ ધરવામાં આવે તો આગામી ચોમાસામાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી શકાય. ચેકડેમ માત્ર પાણી રોકવાનું સાધન નહીં પરંતુ ખેતી, પશુપાલન અનેભૂગર્ભ જળ સંરક્ષણ માટે લાંબા ગાળાનું મહત્વનું પગલું બની શકે છે.
જગતના તાતના હિતમાં હવે નિર્ણય જરૂરી
નદીમાં આવતું મીઠું પાણી દરિયામાં વહી જતુંઅટકાવી તેનો સંગ્રહ કરવામાં આવે તો ખેડૂતોને સિંચાઈ માટે મોટો આધાર મળી શકે તેમ છે. બીજી તરફ ભૂગર્ભ જળસ્તર જાળવવામાં પણ મદદ મળી શકે છે. તેથી રાવલ નદી પર તાત્કાલિક ચેકડેમનું આયોજન કરી કામને મંજૂરી આપી ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવે, તેવી ઉના તાલુકાના નદી કાંઠાના ખેડૂતોની ઉગ્ર અને લાંબા સમયથી પડતર માંગ છે.ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે કુદરત દ્વારા મળતું પાણી બચાવવું એ જ ભવિષ્યની ખેતી અને પાણી સુરક્ષાની ચાવી છે. હવે તંત્ર દ્વારા રાવલ નદીના જળસંગ્રહની સમસ્યાને ગંભીરતાથી લઈ યોગ્ય આયોજન કરવામાં આવે તેવી ખેડૂતો આશાભરી નજરે રાહ જોઈ રહ્યા છે.
