ગીર સોમનાથ જિલ્લામાં નંબર પ્લેટ વગરના વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઇવ: ફફડાટ

140 એનસી કેસ કરી કુલ રૂા.52 હજારનો દંડ વસુલ્યો

ગીર સોમનાથ જિલ્લામાં નંબર પ્લેટ વગરના, ખોટી કે બોગસ નંબર પ્લેટ વાળા વાહનો સામે પોલીસે ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગરની સૂચના પછી તા.1 સપ્ટેમ્બર થી 15 ઓક્ટોબર સુધી 45 દિવસની ખાસ ડ્રાઇવ યોજાઈ છે. આ ડ્રાઇવ અંતર્ગત વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક શાખા કાર્યવાહી હાથ ધરી નંબર પ્લેટ તથા અન્ય ભંગ બદલ કુલ 140 એન.સી. કેસ કરી કુલ રૂા.52 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ ના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ રહી છે. જિલ્લા ટ્રાફિક શાખાના પો.સ.ઈ. વી.એન. મોરવાડિયા, એ.એસ.આઇ. પ્રતાપભાઈ ગોવિંદભાઈ, ભરતભાઈ ઉકા ભાઈ, લખમણ ભાઈ ભીખાભાઈ વાળા સહિતના પોલીસ કર્મચારીઓ અને વેરાવળ સિટી ટ્રાફિક ના પો.કોન્સ. ભોજાભાઈ લખમણભાઈ સહિતની ટીમ અલગ અલગ ટીમો બનાવી જાહેર માર્ગો પર વાહન ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ ન હોવા, ખોટી કે બનાવટી નંબર પ્લેટ લગાવી તેમજ નંબર પ્લેટ ખોટી રીતે દર્શાવી જેવા ટ્રાફિક નિયમોના ભંગ સામે કાર્યવાહી કરાઈ હતી. પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ કુલ 30 વાહનો જપ્ત કર્યા છે. આ સિવાય નંબર પ્લેટના અન્ય ભંગ બદલ કુલ 140 એન.સી. કેસ કરાયા છે અને રૂા.52 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
આ ઉપરાંત પોલીસે કાળા કાચ કે બ્લેક ફિલ્મ વાળા વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસનું કહેવું છે કે વાહનો પર નિયમ મુજબની એસ.એસ.આર. પી. નંબર પ્લેટ હોવી જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 39 મુજબ આર.ટી.ઓ. માં નોંધણી કરાવ્યા વગર કે નિયમસર ની નોંધણી ચિહ્ન દર્શાવ્યા વગર જાહેર માર્ગ પર વાહન ચલાવી શકાય નહીં. ગીર સોમનાથ જિલ્લા પોલીસે સાફ કર્યું છે કે આ ખાસ ટ્રાફિક ડ્રાઇવ તા.15 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ ના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે આવનારા દિવસોમાં પણ કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસે વાહનચાલકોને પોતાના વાહન પર નિયમસર ની નંબર પ્લેટ લગાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ